એક્ટીવાચાલક મહિલાએ ટ્રાફિક બ્રિગેડની મહિલાને તમાચા મારી દીધા

એક્ટીવાચાલક મહિલાએ ટ્રાફિક બ્રિગેડની મહિલાને તમાચા મારી દીધા

વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં ટ્રાફિક સીગ્નલ બંધ હોવા છતાં વાહન હંકારી તેમજ ટ્રાફિક બ્રિગેડની મહિલાને જાતિ વિરુધ્ધ અપમાનજનક શબ્દો બોલીને જાહેરમાં લાફા ઝીંકી દેનાર એક્ટીવાસવાર મહિલા સામે પોલીસે ગુનો નોધ્યો હતો.  માંજલપુરની શંકરબાગ સોસાયટીમાં રહેતાં ૩૮ વર્ષીય ઉષાબહેન મુળજીભાઈ કટારિયા છ વર્ષની વડોદરા શહેરના ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે. 
ગઈ કાલે સાંજે તે માંજલપુરમાં  તુલસીધામ ચારરસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી બજાવતા હતા તે સમયે એક્ટીવાસવાર અપેક્ષાબહેન નટવરભાઈ સ્વામી (પાર્થ ડુપ્લેક્સ,સિંધવાઈમાતા રોડ)એ ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં વાહન હંકારી ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો હતો. આ મુદ્દે ટકોર કરતાં જ તે એકટીવા લઈને ઉષાબેહન પાસે ગયા હતા અને તેમનું નામ પુછીને તેમને જાતિ વિરુધ્ધ અપમાનજનક શબ્દો કહ્યા હતા. આટલેથી નહી અટકતા તેમણે અમારા વાહનો રોકી અમને ખોટી રીતે હેરાન કરે છે તેમ કહી ઉષાબહેનને જાહેરમાં ગાલ પર બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતાં અને અપશબ્દો બોલી તું આ પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડમાં કેવી રીતે નોકરી કરે છે તેવી ધમકી આપી હતી. આ બનાવની ઉષાબહેને માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  અપેક્ષાબહેન સામે એટ્રોસિટી એક્ટ અને હુમલાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.