નાગરવાડામાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં અપહરણનો પ્રયાસ કરનાર બે ની ધરપકડ

નાગરવાડામાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં અપહરણનો પ્રયાસ કરનાર બે ની ધરપકડ

વડોદરા: અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે કારમાં ધસી આવી તમંચો બતાવી હુમલાનો પ્રયાસ કરવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી હતી.
નાગરવાડામાં રહેતાં ઉદય ડાહ્યાભાઇ સોલંકી નામના યુવાને પોલીસને જણાવ્યું હતું કે ગયા ગણપતિના તહેવારમાં તેના મહોલ્લાના વિક્રમ ઉર્ફે વિક્કો ધનજી મકવાણા સહિતના શખ્સો સાથે તેના મહોલ્લાના લોકોને ઝઘડો થયો હતો.
શનિવારે સાંજે ઉદય મહોલ્લાના નાકા પાસે મંદિર નજીક ઉભો હતો ત્યારે બે કારમાં 10 થી 11 શખ્સ ધસી આવ્યા હતા. જેમાં વિક્કો ધનજી અને દિલીપ સહિતના શખ્સો બેઠા હતા. બન્નેએ ઉદયને તેમની નજીક બોલાવીને મોટી ફોર વ્હીલર ગાડીમાં બેસી જવા જણાવ્યું હતું. જોકે બે કારમાં બેઠેલા શખ્સોને જોઇને ઉદયે ગાડીમાં બેસવાની ના પાડી હતી,જેથી દિલીપે ગાડીનો કાચ ખોલી તેની પાસે રહેલો તમંચો બતાવીને ગાડીમાં બેસી જા નહીંતર જાનથી મારી નાંખીશ તેમ જણાવી ધાકધમકી આપી હતી. ગાડીમાં બેઠેલા વિક્કીએ તલવાર લઇને નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો અને ઉદય સાથે ફરીથી ઝઘડો કર્યો હતો. તે સમયે અન્ય લોકો આવી જતાં માથાભારે શખ્સો ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. પોલીસે મંગળવારે વિક્રમ મકવાણા અને રાકેશ મોહનભાઇ નામના શખ્સની ધરપકડ કરી હતી અને બનાવમાં સંડોવાયેલા અન્ય આરોપી ફરાર હોય તેમજ હથિયાર કબજે કરવાના બાકી હોય તપાસ અધિકારીએ બન્ને આરોપીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.