ચીને પૃથ્વીના રહસ્યો જાણવા અભિયાન શરૃ કર્યું

ચીને પૃથ્વીના રહસ્યો જાણવા અભિયાન શરૃ કર્યું

ચીને પોતાની વિવાદાસ્પદ યોજના ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં ચાર હજાર મીટર ઊંચા કિન્ઘાઇ તિબેટ સ્થળે બીજું સાયન્ટિફિક અભિયાન શરૃ કર્યું છે. આ અભિયાનનો હેતુ ક્લાઇમેટ અને એન્વાયર્મેન્ટને લગતા ફેરફારોનો ઊંડો અભ્યાસ કરવાનો છે. ચીનના વિજ્ઞાાનીઓ આ અભિયાન અંતર્ગત છેલ્લાં દસ વર્ષમાં આવેલા ફેરફારોની આંકડાકીય માહિતી ભેગી કરવા માંગે છે. 

પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાંથી પસાર થતી આ કોરિડોર માટે ચીને ૫૦ અબજ ડૉલરનું બજેટ ફાળવ્યું છે. આ કોરિડોર પીઓકેમાંથી પસાર થતી હોવાથી જ ભારતે ચીન સમક્ષ વાંધા ઉઠાવ્યા હતા. ભારત આ યોજનાને પોતાના સાર્વભૌમત્વ પરની તરાપ ગણાવી રહ્યું છે. ચીને અગાઉ ૧૯૭૦માં આ જ સ્થળે આવું અભિયાન કર્યું હતું. 

ચીને બીજી વાર શરૃ કરેલું આ અભિયાન પાંચ કે દસ વર્ષ પછી પૂરું થશે. આ અભિયાનનો પહેલો પડાવ ૨,૩૯૧ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા સર્લિંગ ત્સો તળાવ નજીક હશે. ચીને ૨૦૧૪માં આ તળાવને તિબેટના સૌથી મોટા બૌદ્ધ તળાવનો દરજ્જો આપ્યો હતો. આગામી દિવસોમાં ચીનના ૧૦૦ વિજ્ઞાાનીઓ આ સ્થળે ધામાં નાંખશે, જે ચીનની સૌથી મોટી નદી યાંગત્સેનું પણ ઉદ્ભવસ્થાન ગણાય છે.