શ્રીલંકા: સંસદનું સત્ર સ્થગિત કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિએ પાછો ખેંચ્યો 

શ્રીલંકા: સંસદનું સત્ર સ્થગિત કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિએ પાછો ખેંચ્યો 

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ સંસદનું સત્ર 16 નવેમ્બર સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હવે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. તેમણે વર્તમાન રાજકીય સંકટનું સમાધાન લાવવા સોમવારે સાંસદોની બેઠક પણ બોલાવી છે. તે દિવસે જ સંસદનું સત્ર પણ શરૂ થશે. સિરિસેનાએ આ નિર્ણય સંસદના સ્પીકર અને યુએનપી નેતા કારુ જયસૂર્યા સાથે બુધવારે થયેલી મુલાકાત અને અમેરિકા સહિત અન્ય દેશોના વધતા દબાણ બાદ લીધો છે. એટર્ની જનરલે પણ રાષ્ટ્રપતિના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. 
જયસૂર્યાના કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે નિયમાનુસાર મહિંદા રાજપક્સા વડાપ્રધાન ગણાશે, કેમ કે રાષ્ટ્રપતિએ તેમના નામનો વટહુકમ બહાર પાડ્યો છે. જ્યારે વિક્રમસિંઘેએ કહ્યું છે કે તેઓ હજુ પણ વડાપ્રધાન છે. આ અગાઉ જયસૂર્યાએ સંસદનું સત્ર સ્થગિત કરવાના અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પદ પરથી હટાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયને ગેરબંધારણીય અને ગેરકાનૂની ગણાવ્યો હતો.