પેરિસ: એક વ્યક્તિએ રાહદારીઓ પર ચાકૂ અને લોખંડના સળિયાથી હુમલો, 7 ઘાયલ

પેરિસ: એક વ્યક્તિએ રાહદારીઓ પર ચાકૂ અને લોખંડના સળિયાથી હુમલો, 7 ઘાયલ

પેરિસમાં રવિવારે એક વ્યક્તિએ રાહદારીઓ પર ચાકૂ અને લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. જેમાં બે બ્રિટિશ પર્યટકો સહિત સાત લોકો એક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના રાજધાનીની પૂર્વોત્તરમાં એક કેનાલની નજીક અંદાજિત રવિવારે રાત્રે 10 વાગ્યે બની હતી. પોલીસ અને અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહદારીઓ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. હાલ આ ઘટનાને આતંકી હુમલાની નજરે નથી જોવામાં આવી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હુમલાખોરોએ સડકો પર ચાલી રહેલા અજાણ્યા વ્યક્તિઓને લક્ષ્ય બનાવ્યા હતા. પોલીસનું કહેવુ છે કે, સાત ઘાયલ લોકોમાંથી ચારની હાલત ગંભીર છે. ઘટનામાં એક સુરક્ષા ગાર્ડે આ ઘટના અંગે જણાવ્યું કે, તેણે એવા વ્યક્તિને જોયો જેણે લોકો પર હુમલો કર્યો હતો. આરોપીએ પછી ચાકૂ કાઢ્યું હતું અને આડેધડ લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. હાલ પોલીસે હુમલાખોર પર હત્યાની કોશિશનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.