પાકિસ્તાની ન્યૂઝ એન્કરે પુત્રીને ખોળામાં લઈ શો હોસ્ટ કર્યો

પાકિસ્તાની ન્યૂઝ એન્કરે પુત્રીને ખોળામાં લઈ શો હોસ્ટ કર્યો

પાકિસ્તાનના સમા ટીવીની ન્યૂઝ એન્કર કિરણ નાઝે ગુરુવારે એક ન્યૂઝ શો પોતાની પુત્રીને ખોળામાં બેસાડીને હોસ્ટ કર્યો. આ રીતે તેણે દેશમાં બાળકીઓ અને મહિલાઓ માટે ઊભા થયેલા અસુરક્ષિત વાતાવરણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પાકિસ્તાનમાં 6 વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આથી નાઝે વિરોધ દર્શાવવા અને સામાજિક સંદેશો આપવા આ પ્રયોગ કર્યો હતો. તેણે પુત્રીને ખોળામાં બેસાડી શો હોસ્ટ કરતાં કહ્યું કે, આજે હું ટીવી હોસ્ટ કિરણ નાઝ નહીં પરંતુ એક માતા તરીકે મારી બાળકી સાથે અહીં બેઠી છું. જનાજો જેટલો નાનો હોય છે એટલો જ ભારે હોય છે.
પૂર્વ પાકિસ્તાનના કાસુરમાં ગયા સપ્તાહે એક બાળકીનું અપહરણ કરાયું હતું બે દિવસ પછી આ બાળકીનો મૃતદેહ કચરાના ડબ્બામાંથી મળ્યો દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું. પોલીસ હજુ સુધી આરોપીઓને પકડી શકી નથી. આથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મોટા પ્રમાણમાં હિંસા થઈ છે. પોલીસ સાથે થયેલી અથડામણમાં બે લોકો માર્યાં ગયા છે. લોકો ઝડપથી કસૂરવારની ધરપકડ થાય અને તેમને કડક સજા મળે તેવી માગ કરી રહ્યા છે.