ઇરમાનો ખતરોઃ અત્યાર સુધીનું સૌથી મોટું સ્થળાંતર, 55 લાખને ફ્લોરિડા છોડવાનો ઓર્ડર

ઇરમાનો ખતરોઃ અત્યાર સુધીનું સૌથી મોટું સ્થળાંતર, 55 લાખને ફ્લોરિડા છોડવાનો ઓર્ડર

વાવાઝોડાં ઇરમાને કારણે અમેરિકાના પૂર્વ કાંઠે આવેલું ફ્લોરિડા રાજ્યમાં ઇમરજન્સી ઘોષિત કરવામાં આવી છે. અહીં અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર ચાલી રહ્યું છે. અંદાજે 50થી 60 લાખ લોકોને ફ્લોરિડા છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોકોને ચેતવણી આપવામાં આવી કે, 'આ વાવાઝોડું એટલું ખતરનાક છે કે, જો તમે એના રસ્તામાંથી નહીં હટો તમે મરશો.'

ઇરમા વાવાઝોડું ફરીથી ચોથામાંથી પાંચમી કેટેગરીમાં આવી ગયું છે. રવિવારે વહેલી સવાર સુધીમાં ઇરમા ફ્લોરિડા પર 240 કિમી/કલાકની ઝડપે ત્રાટકશે. વાવાઝોડાંના ખતરાને ધ્યાનમાં રાખીને અંદાજે 56 લાખ લોકોને ફ્લોરિડા અને જ્યોર્જિયા રાજ્યોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ફ્લોરિડાના કાંઠાના વિસ્તારમાં ફરજિયાત ઘર છોડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેના કારણે હાઇ-વે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ઇરમાને કારણે માત્ર મિયામી શહેરમાં જ 8 લાખ કરોડનું નુકસાન થવાનો અંદાજો છે. ઇરમા વાવાઝોડાંએ કેરેબિયન ટાપુઓ પર જે વિનાશ વેર્યો છે તેમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. બાર્બુડા અને સેંટ માર્ટિન ટાપુઓ 90 ટકા સુધી સાફ થઇ ગયા છે. ઇરમાને કારણે ક્યૂબાના ઉત્તરીય કાંઠાના વિસ્તારો પર પણ ખતરો છે.