એશિયન ગેમ્સમાં બેડમિંટનનો મેડલ જીતવો ભારતને માટે આસાન નથી

એશિયન ગેમ્સમાં બેડમિંટનનો મેડલ જીતવો ભારતને માટે આસાન નથી

ભારતના ભુતપુર્વ બેડમિંટન ચેમ્પિયન કે જેઓ ઓલ ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય રહી ચૂકયા છે. તેવા પ્રકાશ પદુકોણે ભારતની બેડમિંટન ટીમને ચેતવી છે કે, આગામી એશિયન ગેમ્સમાં મેડલ જીતવો ધાર્યા કરતા પડકારજનક બની રહેશે. 

૧૮ ઓગસ્ટથી ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એશિયન ગેમ્સનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતની ટીમમાં પી.વી. સિંધુ, સાયના નેહવાલ, કિદમ્બી શ્રીકાંત અને એચ એસ પ્રણોય જેવા બેડમિંટનના વિશ્વના અગ્રણી ખેલાડીઓ છે. આ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન કે રનર્સ અપ બની ચૂકયા છે.

તેઓએ વર્લ્ડ ચેમ્પિયનોને પણ હરાવ્યાં છે, છતાં પદુકોણે માને છે કે, ભારતને એશિયન ગેમ્સમાં મેડલ મળવો આસાન નથી. ભારતે અત્યાર સુધીમાં એક જ મેડલ એશિયન ગેમ્સના ઇતિહાસમાં જીત્યો છે જે ૧૯૮૨માં સૈયદ મોદીએ જીત્યો હતો.

પદુકોણેએ આ માટેનું કારણ આપતા કહ્યું છે કે, બેડમિંટનના મોટાભાગના સ્ટાર અને મેડલના દાવેદાર ખેલાડીઓ એશિયાના જ છે. આ તમામ ખેલાડીઓ એશિયન ગેમ્સના મેડલ જીતવા માટે છેલ્લા કેટલાક અરસાથી સખ્ત મહેનત કરે છે. ભારતના ટોચના ખેલાડીઓ હમણા જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઇને પરત ફરી હોઇ ખેલાડીઓ કેવો ફિટનેસ અને જુસ્સો જાળવી રાખે છે તે પણ નિર્ણાયક બનશે. જો કે ભારત મેડલ જીતવાનું દાવેદાર મનાય છે અને તે માટે સક્ષમ પણ છે.