મારો જીવ આપી દઇશ પણ બંધારણ બચાવવામાં બાંધછોડ નહીં કરૂં: મમતા

મારો જીવ આપી દઇશ પણ બંધારણ બચાવવામાં બાંધછોડ નહીં કરૂં: મમતા

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર અને સીબીઆઇ સામે ધરણા પ્રદર્શન કર્યા હતા,જ્યારે તેમના પક્ષ તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટ્રેનો રોકી હતી. રવિવારે બપોર બાદ આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો જ્યારે સોમવારે પણ આ પ્રદર્શન જારી રહ્યું હતું. મમતાને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ,સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહીતના વિપક્ષના નેતાઓએ સહકાર જાહેર કર્યો છે. બીજી તરફ મમતાએ જણાવ્યું હતું કે અમારો સત્યાગ્રહ મોદી સરકાર બંધારણનો નાશ કરવા માગે છે તેના વિરોધમાં છે, બંધારણ બચાવવા માટે અમે આ સત્યાગ્રહ ચલાવી રહ્યા છીએ. અને જ્યાં સુધી આ દેશને બચાવી ન લઇએ ત્યાં સુધી અમારો સત્યાગ્રહ જારી રહેશે.

બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પુતળા સળગાવ્યા હતા. જ્યારે બીજી તરફ મમતા બેનરજીએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. મમતાએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર સીબીઆઇનો ઉપયોગ કરીને પશ્ચિમ બંગાળમાં આમ નાગરીકોને પરેશાન કરી રહી છે. વગર વોરંટે એક પોલીસ અધિકારીના ઘરે સીબીઆઇના અધિકારીઓને મોકલી દેવામાં આવ્યા હતા.

દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે દેશમાં તો બંધારણનો અમલ યોગ્ય દિશામાં થઇ જ રહ્યો છે પણ મને લાગે છે કે પશ્ચિમ બંગાળમાં તેનો અમલ નથી થઇ રહ્યો છે. અને તેનો ભંગ કરવામાં આવી રહ્યો છે. રવિવારે જે પણ કઇ પ. બંગાળમાં થયું તેના પરથી પુરવાર થાય છે કે બંધારણનો નાશ વાળવાનો પ્રયાસ થયો છે તેવા આરોપો રાજનાથસિંહે  લગાવ્યા હતા. રવિવારે સાંજે સીબીઆઇના અધિકારીઓ કોલકાતાના પોલીક કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા. જોકે કમિશનરની સુરક્ષામાં તૈનાત પોલીસે સીબીઆઇના અધિકારીઓને રોકી લીધા હતા, જે બાદ બન્ને વચ્ચે જપાજપી થઇ હતી. આ સ્થિતિ વચ્ચે વોરંટ વગર આવેલા સીબીઆઇના અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેથી વિવાદ વધ્યો છે. જોકે બાદમાં આ અધિકારીઓને છોડી મુકવામાં આવ્યા હતા.