કોંગ્રેસમાંથી વધુ ત્રણ થી ચાર ધારાસભ્યોનાં રાજીનામાં પડવાની શક્યતા

કોંગ્રેસમાંથી વધુ ત્રણ થી ચાર ધારાસભ્યોનાં રાજીનામાં પડવાની શક્યતા

લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ જતાં અને ધારાસભ્ય દ્વારા રાજીનામા અપાતા રાજકીય માહોલ ગરમાયો છે આશાબેન પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ ત્રણ થી ૪ ધારાસભ્યો આગામી ટૂંક સમયમાં જ રાજીનામા આપી દે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ધારાસભ્યો કોંગ્રેસ માંથી જતા રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર, ધવલસિંહ ઝાલા તથા કિરીટ પટેલનો સમાવેશ થાય છે ઉપરાંત કચ્છના પ્રદ્યુમનસિંહ જાડેજા અને સંતોકબેન અરીઠીયા પણ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે.

સચિવાલયમાં આજે આખો દિવસ કોંગ્રેસના વધુ કેટલા સભ્યો રાજીનામા આપી રહ્યા હોવાની વાતો ચાલી હતી બીજી બાજુ કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ સંતોકબેન તથા કિરીટ પટેલે મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપમાં જવાના નથી ભાજપના કોઇ નેતા ઓ સાથે તેઓનો સંપર્ક પણ નથી. બીજીબાજુ સૂત્રો જણાવે છે કે વિધાનસભા ગૃહની અંદર હાલમાં રાજીનામું આપનારા ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપને લુખ્ખાઓ નું બિરુદ આપ્યું હતું કે સમયે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો પરંતુ હાલમાં પરિસ્થિતિ બદલાઈ છે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા આશાબેન પટેલ હવે ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે છે.

આશ્ચર્યની વાત એ છે કે મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ એવું જણાવ્યું હતું કે હાલમાં ભાજપમાં જોડાવાનો તેમનો કોઈ ઈરાદો નથી પરંતુ પોતાના સમર્થકો સાથે વાતચીત કરીને આગળનો કોઈ નિર્ણય કરશે બીજી બાજુ કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડાએ પણ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગઈકાલ સુધી આશાબેનને કોંગ્રેસ સાથે કોઈ જ વાંધો નહોતો તેઓએ તેમના સમર્થકો સાથે કોઈ વાતચીત કર્યા વગર જ નિર્ણય કર્યો છે રાતોરાત શું રંધાયું તેની ખબર નથી. ભાજપના નેતાઓ ધમકી અને લાલચ આપીને કોંગ્રેસના નેતાઓને તથા ધારાસભ્યોને ભાજપમાં લેવા માટે ના હથકંડા અપનાવી રહ્યા છે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસમાં હવે નેતાગીરી જેવું કશું રહ્યું નથી આંતરિક ડખો ઘણા છે આ કોંગ્રેસ નો મામલો છે અમે કશું ન કરી શકીએ આગામી સમયમાં હજુ વધુ આગેવાનો અને નેતાઓ કોંગ્રેસમાંથી નીકળી જશે.