PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે

PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે

એપ્રિલમાં યોજાનારી લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ પ્રચારના શ્રી ગણેશ કરશે. લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી છે. જોકે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હજુ આ ચૂંટણીની સત્તાવાર કોઈ જાહેરાત કરાઇ નથી કે, કોઇ જાહેરનામું પણ બહાર પડાયું નથી. ફેબ્રુઆરીના અંત સુધીમાં કે માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણી પંચ લોકસભાની ચુંટણીની સત્તાવાર જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય બજેટની સૌથી મોટી ઇવેન્ટ પણ સંપન્ન થઇ ગઇ છે, આથી હવે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ મોટા પક્ષો લોકસભાની ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના ઘડવામાં લાગી ગયા છે.

આગામી દિવસોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જુદા-જુદા દિવસો દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો પણ ગોઠવાઇ રહ્યાં છે. દિલ્હીથી PMO ઓફિસ અને ગુજરાતના મુખ્ય સેક્રેટરી જે.એન.સિંઘે  PMના પ્રવાસ મુદ્દે વિવિધ સંકલન કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર રાજકોટમાં વડાપ્રધાન એઇમ્સના ખાતમુહર્ત પ્રસંગે  ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. 

ઉપરાંત ગુજરાતમાં અન્ય કેટલાક મોટાં પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહર્ત કરવાનું પણ આયોજન છે. વડાપ્રધાન પાસે કઈ તારીખે કેટલો સમય છે અને ગુજરાતમાં કયા સ્થળે વિવિધ યોજના કયાં તબક્કે છે, તે તમામ બાબતોનું સંકલન પણ થઇ રહ્યું છે. ત્યાર બાદ PMOને રિપોર્ટ મોકલવામાં આવશે. આ જ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પણ વિવિધ કાર્યક્રમો ગોઠવાઇ રહ્યાં છે. આગામી દિવસોમાં ભાજપ દ્વારા  PM મોદીનું શમણું ‘નયા ભારત’નું સર્જન કરવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ ભાગ લેવાના છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણી મિટિંગો અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ યોજાશે. ભાજપમાં આંતરિક જૂથબંધી વધે નહીં અને બધા સાથે મળીને લોકસભાની ચૂંટણી લડે તેવો માહોલ ઊભો કરવા માટે અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે.