હાર્દિક પટેલ લડશે લોકસભાની ચૂંટણી, આ બે બેઠકમાંથી એકની કરી શકે છે પસંદગી

હાર્દિક પટેલ લડશે લોકસભાની ચૂંટણી, આ બે બેઠકમાંથી એકની કરી શકે છે પસંદગી

પાટીદારો માટે અનામતની માંગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણીમાં ઝુકાવશે. લખનૌમાં યોજાયેલી એક રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હવે તેની સાથે જ હાર્દિક ક્યાંથી ચૂંટણી લડશે તેની પણ અટકળો શરુ થઈ ગઈ છે.ગુજરાતમાં મહેસાણા અને અમરેલીની બેઠક હાર્દિક પટેલ માટે સેફ મનાય છે.આ પૈકીની કોઈ એક બેઠક પર હાર્દિક ચૂંટણી લડી શકે છે.હાર્દિક ચૂંટણી લડે તો તેના સમર્થનમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ના ઉભો રાખે તે પણ શક્ય છે.

મહેસાણા બેઠક પર પાટીદારોનુ પ્રભુત્વ છે.જોકે ત્યાં લાલજી પટેલ પણ હાર્દિક માટે મુશ્કેલીનુ કારણ બની શકે છે.તેની સરખામણીએ અમરેલીની બેઠક વધારે સુરક્ષિત એટલા માટે છે કે તે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાનીનો ગઢ છે. હાર્દિક કાં તો અપક્ષ અથવા તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવી શકે છે.આ સીવાય એનસીપીએ પણ તેને ટિકિટ માટે ઓફર કરી છે.જોકે હાર્દિક અપક્ષ ચૂંટણી લડે અને કોંગ્રેસ તેને સમર્થન જાહેર કરે તેવી શક્યતા વધારે છે.