અમિત ચાવડા વિરુધ્ધ અસંતોષ ભભૂક્યો, પાટીદાર ધારાસભ્યોના દિલ્હીમાં ધામા

અમિત ચાવડા વિરુધ્ધ અસંતોષ ભભૂક્યો, પાટીદાર ધારાસભ્યોના દિલ્હીમાં ધામા

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામુ ધરી દીધા બાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે.આશા પટેલે સંગઠનના કોઇ ઠેકાણાં જ નથી તેવો આક્ષેપ કર્યો છ. આ જ મુદ્દે હવે અમિત ચાવડા હટાવો અભિયાન શરુ થયુ છે. પાટીદાર ધારાસભ્યોએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. આ ઉપરાંત દસથી વધુ અસંતુષ્ટ ધારાસભ્યોએ તો હાઇકમાન્ડને પત્ર લખી સંગઠનમાં આમૂલ ફેરફાર કરવા રજૂઆત કરી છે.

આશા પટેલના રાજીનામા બાદ હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે.અમિત ચાવડા હજુય સંગઠનને સક્રિય કરવામાં નિષ્ફળ રહ્યાં છે.ભરતસિંહ સોલંકી સંગઠન પર બેકસીટ ડ્રાઇવ કરી રહ્યાં છે.આ ઉપરાંત અમિત ચાવડાના અંગત વ્યકિતઓને પ્રદેશના સંગઠનમાં હોદ્દા આપી દેવાયાં છે. આવી ફરિયાદો છેક દિલ્હી દરબારમાં પહોંચી છે.

આજે ધારાસભ્ય લલિત વસોયા,ધારાસભ્ય લલિત કગથરા અને ધારાસભ્ય કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યાં છે. અહેમદ પટેલને મળીને તેમણે સંગઠનની વર્તમાન સ્થિતી અંગે રજૂઆત કરશે. એવી ચર્ચા છેકે,પાટીદાર ધારાસભ્યોની ય એક ગુપ્ત બેઠક મળી હતી. એવી ય જાણકારી મળી છેકે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દસેક ધારાસભ્યોએ હાઇકમાન્ડને પત્ર લખી ગુજરાત કોંગ્રેસની વાસ્તવિકતા વિશે રજૂઆત કરી છે.તેમણે પત્રમાં સ્પષ્ટ ચિમકી આપી છેકે, જો આ સ્થિતીમાં સુધારો નહી આવે તો, લોકસભાની ચૂંટણી પહેલાં ઘણાં ધારાસભ્યો પક્ષ છોડી શકે છે.

આમ,ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ અસંતોષનો ચરુ ઉકળ્યો છે. આ જોતાં હાઇકમાન્ડે આખોય મામલો થાળે પાડવા કવાયત શરુ કરી છે.