કોલકતામાં મોહન ભાગવતના કાર્યક્રમ બાદ અમિત શાહની રેલી પણ રદ કરાઇ

કોલકતામાં મોહન ભાગવતના કાર્યક્રમ બાદ અમિત શાહની રેલી પણ રદ કરાઇ

પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ દ્વારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ અને ભાજપ વચ્ચે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમને બુક કરાવવાના મામલે વિવાદ થતાં સ્ટેડિયમના આયોજકે બુકિંગ રદ્દ કરી દીધું છે. આ પહેલાં સત્તાધિકારીઓએ મોહન ભાગવતની ઓક્ટોબરમાં થનારા કાર્યક્રમ માટે પણ મંજૂરી આપી ન હતી. તો 2014માં કોલકતા હાઈકોર્ટની મધ્યસ્થી બાદ અમિત શાહની રેલીને માન્યતા આપવામાં આવી હતી. ત્યારે તાજેતરના વિવાદ અંગે ભાજપે, કોંગ્રેસ સરકાર પર આક્ષેપો કર્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 11થી 13 સપ્ટેમ્બર પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે પાર્ટીના નેતાઓ દ્વારા શક્તિ પ્રદર્શન અંતર્ગત 12 હજાર લોકોની ક્ષમતા ધરાવતુ સ્ટેડિયમ બુક કરાવ્યું હતું. 28 ઓગસ્ટે જ પાર્ટી દ્વારા સ્ટેડિયમ બુક કરવામાં આવ્યું હતું. જે બાદ કોલકતા પોલીસ દ્વારા NOCની માગ કરવામાં આવી હતી. જો કે બે દિવસમાં જ આ બુકિંગને રદ્દ કરવામાં આવ્યું છે. 
પશ્ચિમ બંગાળ ભાજપના જનરલ સેક્રેટરી એસ.બસુએ કહ્યું કે, “ઓગસ્ટ 30નાં રોજ અમને કહેવામાં આવ્યું કે દુર્ગાપૂજાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ પૂરાં મહિના માટે બુક કરવામાં આવ્યું છે. જયારે કે દુર્ગાપૂજા 27-30 સપ્ટેમ્બર દરમિયાન છે.”
બસુએ વધુમાં કહ્યું કે, “ અમને અન્ય કોઈ મોટી જગ્યા ન મળતા અંતે અમે મિટિંગ જ કેન્સલ કરી દીધી છે. જો કે શાહ અન્ય બેઠકમાં પોતાના શેડયૂલ મુજબ ઉપસ્થિત રહેશે.”  ભાજપે સ્ટેડિયમના બુકિંગને કેન્સલ કરાવવા અંગે સત્તાધારી પક્ષનો હાથ હોવાના આક્ષેપો કરી રહ્યાં છે.

નેતાજી ઇન્ડોર સ્ટેડિયમના અધિકારીઓએ બુકિંગ રદ્દ કરતાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ગજગ્રાહ વધ્યો છે. જો કે  કોંગ્રેસના નેતાએ ચોખવટ કરતાં કહ્યું કે, સ્ટેડિયમનું બુકિંગ કોઈ મંત્રી કે પાર્ટીના નેતા નક્કી નથી કરતાં, અને આ મામલે તેઓએ કંઈ નથી કર્યું તેમ કહે છે. 
પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી અને TMCના જનરલ સેક્રેટરી પાર્થ ચેટર્જીએ કહ્યું કે, “ભાજપ દરેક મુદ્દે રાજકીય વિવાદ ઊભો કરવા માગે છે. જો કે હકિકત એ છે કે ભાજપના નેતાઓને નેતાજી સ્ટેડિયમ ભરાશે કે કેમ તે અંગે શંકા થતાં તેઓ આવાં ગતકડાંઓ કરી રહ્યાં છે.સ્ટેડિયમ પર સરકાર કે પક્ષનો કોઈપણ જાતનો અંકુશ નથી. તેને એક કમિટિ ચલાવે છે.”

અગાઉ RSS પ્રમુખના કાર્યક્રમને પણ મંજૂરી આપવામાં આવી ન હતી
RSSના પ્રમુખ મોહન ભાગવતની 3 ઓક્ટોબરનાં રોજ કોલકતામાં થનારા કાર્યક્રમ માટે મહાજાતિ સદન બુકિંગ પણ કેન્સલ કરી હતી. આ કાર્યક્રમ સિસ્ટર નિવેદિત મિશન ટ્રસ્ટ દ્વારા તેમના જન્મની 150મી વર્ષગાંઠ પર આયોજિત થવાનો હતો. આ કાર્યક્રમમાં મોહન ભાગવત ઉપરાંત રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પણ ઉપસ્થિત રહેવાના હતા. સદનનું સંચાલન સીધું જ સરકાર દ્વારા જ થાય છે. ત્યારે સત્તાધિકારીએ સપ્ટેમ્બર 26થી ઓકટબર 6 સુધી સમારકામનું બહાનું હાથ ધર્યું હતું.