2019 ઇલેક્શન પહેલા ગઠબંધનની એક ગાંઠ છૂટી...!

2019 ઇલેક્શન પહેલા ગઠબંધનની એક ગાંઠ છૂટી...!

2019ની લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં એક પછી એક સાથીદારો ઓછા થઈ રહ્યા છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ 2019ની લોકસભા ચૂંટણી એકલા હાથે જ લડશે અને તેઓ કોઈ પણ ગઠબંધનમાં ભાગ લેશે નહીં. કેજરીવાલે આજે હરિયાણામાં આ અંગેની જાહેરાત કરી, જેમાં કહ્યું કે, 2019માં હરિયાણા વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં તે તમામ બેઠકો પર ચૂંટણી લડશે.

કેજરીવાલે આ સાથે જ મહાગઠબંધન પર આરોપ લગાવ્યો કે, જે પાર્ટીઓ તેનો ભાગ બની રહી છે, જેને દેશના વિકાસમાં કોઈ જ ભૂમિકા ભજવી નથી. તેમજ કેન્દ્ર સરકાર દિલ્હીના વિકાસમાં થતાં કાર્યમાં પણ હંમેશા હસ્તક્ષેપ કરતાં રહ્યા છે. તેવી સ્થિતિમાં કોઈની પણ સાથે ચૂંટણી લડવાના બદલે એકલાં જ તેઓ ચૂંટણી લડશે.

આ તરફ છેલ્લા ઘણાં સમયથી ભાજપ વિરોધી એકત્ર થતાં વિપક્ષની રેલીઓમાં અને સભામાં કેજરીવાલ હાજર રહેતાં હોય છે અને તેઓ મહાગઠબંધનનો જ એક ભાગ હોવાનું દેખાતું હતું. પરંતુ છેલ્લા થોડાં સમયથી કોંગ્રેસની સાથે રાજ્યસભામાં ઉમેદવારી મામલે વિવાદ થયો હતો અને જેમાં આપ તરફથી કહેવામાં આવ્યું હતું કે, શા માટે રાહુલ ગાંધી અમારી પાસે સ્પોર્ટ માંગી રહ્યા નથી. જે જોતાં હવે કેજરીવાલ 2019ની લોકસભાની ચૂંટણીમાં નવા સમીકરણો રજુ કરી શકે છે.