મોદી સરકારના રાજમાં કમરતોડ બેરોજગારી, ૪૫ વર્ષનો રેકોર્ડ તોડયો

મોદી સરકારના રાજમાં કમરતોડ બેરોજગારી, ૪૫ વર્ષનો રેકોર્ડ તોડયો

દેશમાં બેરોજગારી ચરમ સીમાએ પહોંચી ગઇ છે, પરિસ્થિતિ એટલી કથળી ગઇ છે કે બેરોજગારી મામલે છેલ્લા ૪૫ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. એટલે કે વર્તમાન મોદી સરકારના શાસનમાં છેલ્લા ૪૫ વર્ષમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ છે. આ આંકડા કોઇ ખાનગી સંસ્થાના નહીં પણ ખુદ સરકારના જ છે. નેશનલ સેંપલ સર્વે ઓફિસ (એનએસએસઓ)ના તાજા આંકડામાં આ ઘટસ્ફોટ થયો છે. સરકાર અને વડા પ્રધાન મોદી દાવા કરી રહ્યા છે કે નોટબંધી સફળ રહી છે અને સાથે અમે અનેકને રોજગારી આપી છે. જ્યારે બીજી તરફ સરકારના આંકડા આ દાવાની પોલ ખોલી રહ્યા છે.

 આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બેરોજગારી વધવાનું એક સૌથી મોટુ કારણ મોદી સરકારે લાગુ કરેલી નોટબંધી છે.  રિપોર્ટમાં જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારમાં બેરોજગારી દર ૭.૮ ટકા છે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ પ્રમાણ ૫.૩ ટકા છે. આ આંકડા ૨૦૧૭-૧૮ના જ છે, જે મુજબ આ સમયગાળામાં જ બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે. આ પહેલા ૨૦૦૪-૦૫થી ૨૦૧૧-૧૨ દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં ૩.૫થી ૪.૪ ટકા જ બેરોજગારી હતી. એટલે કે ગ્રામીણ વિસ્તારમાં યુવાઓમાં બેરોજગારીનું પ્રમાણ ત્રણ ટકા વધ્યું છે, ગ્રામીણ વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષ સુધીના યુવાઓનો બેરોજગારી દર ૧૭.૪ ટકા છે જે ૨૦૧૧-૧૨માં માત્ર ૫ ટકા જ હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં બેરોજગારી દર ૧૭.૩ ટકા છે, જોકે આ ટકાવારી ૨૦૧૧-૧૨માં માત્ર ૪.૮ ટકા જ હતી.  સરકારના એનએસએસઓએ આ સરવે જુલાઇ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ના સમયગાળા દરમિયાન હાથ ધરાયો હતો.

આ રિપોર્ટમાં જ જણાવવામાં આવ્યું છે કે નોટબંધી બાદ જ અનેક લોકોની નોકરી જતી રહી છે. આ રિપોર્ટને ગયા વર્ષે ડિસેમ્બર માસમાં જ સરકારને સોપી દેવામાં આવી હતી.  આઠ નવેમ્બર, ૨૦૧૬ના રોજ મોદી સરકારે દેશમાં રાતે નોટબંધી લાગુ કરી હતી, જે બાદ સમગ્ર દેશમાં આર્થીક કટોકટીનો માહોલ હતો, લોકો પાસે કેશમાં પૈસા નહોતા અને તેની માઠી અસર ઉધ્યોગો અને કૃષી પર પણ પડી હતી. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં રેકોર્ડબ્રેક બેરોજગારી માટે નોટબંધી પણ જવાબદાર છે. પહેલી ફેબુ્રઆરીએ સરકાર બજેટ રજુ કરવા જઇ રહી છે તે પહેલા જ આ રિપોર્ટે સરકારની પોલ ખોલી નાખી છે, લોકસભાની ચૂંટણી પહેલા જ યુવાઓમાં રોષ વધારે તેવા આ આંકડાને પગલે મોદી સરકારને મુશ્કેલીમાં મુકી શકે છે.  બીજી તરફ વિપક્ષે ટોણો મારતા કહ્યું હતું કે સરકારે રોજદારી આપવાને બદલે જે હતી તેને પણ છીનવી લીધી છે. 

  • #HowstheJobs ટ્વિટર પર ટ્રેન્ડ થયું

બેરોજદારીના આંકડા જારી થતા સોશિયલ મીડિયા પર  #HowstheJobs ટ્રેન્ડ થવા લાગ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીથી લઇને અનેક નેતાઓએ ટ્વિટર પર  #HowstheJobs સાથે પોતાની વાત રજુ બેરોજગારી મુદ્દે સરકારની ટીકા કરી હતી. હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ઉરીમાં એક ડાયલોગ છે “How's the Josh?”, આ ડાયલોગ મોદીથી લઇને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને ટ્વિટ કર્યો હતો. જેને પગલે વિપક્ષે તેને જ ટાંકીને હવે જોશને બદલે જોબ્સ શબ્દ લખીને સરકારને ઘેરી હતી. જેને પગલે આ શબ્દ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો અને સોશિયલ મીડિયાથી લોકોએ સરકાર પર ભારે રોષ ઠાલવ્યો હતો. 

  • પોલ ખુલી જાય માટે જ સરકારે બેરોજગારી રિપોર્ટ દબાવી રાખ્યો હતો

વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરકાર છેલ્લા ઘણા સમયથી એનએસએસઓનો રિપોર્ટ દબાવીને બેઠી છે. આ રિપોર્ટને ગયા વર્ષે જુલાઇ સુધીમા તૈયાર કરી લેવામાં આવ્યો હતો. જોકે સરકારે આ રિપોર્ટ અત્યાર સુધી એટલા માટે છુપાવીને રાખ્યો હતો કેમ કે લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે આ સ્થિતિમાં જ પોતાની પોલ ખુલી જવાનો સરકારને ભય હતો. એનસીપીએ આ આરોપો લગાવ્યા હતા. એનસીપીના સાંસદ સુપ્રીમયા સુલેએ જણાવ્યું હતું કે સરકાર હજુસુધી આ રિપોર્ટ મુદ્દે મૌન કેમ છે. નોકરી આપવાને બદલે આ સરકારે નોકરી છીનવી લીધી. 

  • દેશના દરેક યુવાઓને અમે રોજગારી ન આપી શકીએ : સરકારે હાથ ઊંચા કર્યા 

મોદી સરકારની પોલ ખોલતા એનએસએસઓના રિપોર્ટ બાદ હવે સરકારના મંત્રીઓ પણ વિવાદિત નિવેદનો કરવા લાગ્યા છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંઘે કહ્યું હતું કે સરકાર દરેકને નોકરી ન આપી શકે, માત્ર યોજનાઓ દ્વારા તેને સુરક્ષીત રાખી શકે છે. મંત્રીએ મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે કોઇ પણ જવાબદાર સરકાર દરેકને નોકરી ન આપી શકે, જોકે રોજગારી માટે યોજનાઓ બનાવી શકે છે. આ માટે સરકારે સ્કિલ ડેવલપમેન્ટની રચના પણ કરી છે. આ પહેલા પણ કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર પાસે નોકરી જ નથી તો અનામતનું શું કરશો. એટલે કે સરકારના મંત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે કે હવે સરકાર દરેકને નોકરી આપી શકે તેમ નથી અને રોજગારી પણ નથી. રિપોર્ટ અને મોદીના મંત્રીઆના આ દાવા બાદ સરકાર ભીસમા આવી ગઇ છે.