કાલથી મોદીની ઇઝરાયલની ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ

કાલથી મોદીની ઇઝરાયલની ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ

 દિલ્હી તા.૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇઝરાયલની ત્રણ દિવસની ઐતિહાસિક મુલાકાતે જઇ રહ્યા છે ત્યાં તેમનુ ટ્રમ્પથી પણ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેઓ ૪ થી ૬ જુલાઇ સુધી ઇઝરાયલમાં રહેશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહુ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કરશે. ૭૦ વર્ષના કોઇ ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હશે. વડાપ્રધાને મોદી માટે ડિનર પાર્ટી પણ યોજી છે. મોદીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.

   મોદીની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કે, બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો રપ વર્ષ પુરા કરી રહ્યા છે. ઇઝરાયલના મીડીયા લખે છે કે પીએમ મોદીની યાત્રા ઇતિહાસ રચવાની છે. ઇઝરાયલની કેબીનેટે ભારત-ઇઝરાયલ વેપારમાં પ૧૭ કરોડ રૂપિયાના વધારાને મંજુરી આપી છે આનાથી ભારત ચીનને પાછળ રાખી મોટો ટ્રેડ પાટનર બનશે. મોદી મુંબઇમાં થયેલા ર૬/૧૧ના આતંકી હુમલામાં જીવિત બચેલા ઇઝરાયલી બાળકોને પણ મળશે.

   તેમની આ મુલાકાત ઐતિહાસીક બની રહેવાની છે. ૭૦ વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાન ઇઝરાયલ ગયુ નથી. આ મુલાકાતથી બંને દેશોના લશ્કરી આર્થિક અને ડિપ્લોમેટીક સંબંધો મજબુત થશે અને બંને દેશો વચ્ચેના સંબંધો નવા શિખરે પહોંચશે. ઇઝરાયલના વડાપ્રધાનનું કહેવુ છે કે, સાઇબર સુરક્ષા પર દ્વિપક્ષીય વાટાઘાટો થશે. પાણી, કૃષિ, સ્વાસ્થ્ય અને સાઇબર સહિત અનેક ક્ષેત્રોમાં મોદી પણ સહયોગ ઇચ્છે છે. ઇઝરાયલના વડાપ્રધાને મોદીને ટેકનીકલ દિગ્ગજ ગણાવ્યા છે અને મોદીને પોતાના મિત્ર પણ ગણાવ્યા છે.

   ઇઝરાયલ ભારત માટે ડિફેન્સના હિસાબથી ઘણુ મહત્વનુ છે. ઇઝરાયલે ચીનને અવાકસ સિસ્ટમ વેચવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ તેણે ભારતને આ સિસ્ટમ આપી છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે ટેકનોલોજી, વોટર મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, હેલ્થ, એજયુકેશન, મીલીટ્રી કોઓપરેશન, સ્માર્ટ સીટી, રિસર્ચ અને સાઇબર સિકયુરીટી જેવા મુદ્દે સમજુતી થઇ શકે છે.