વડોદરા: સૂરસાગર તળાવનુ 34 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થશે

વડોદરા: સૂરસાગર તળાવનુ 34 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થશે

વડોદરાઃ શહેરની મધ્યમાં આવેલા ઐતહાસિક સૂરસાગર તળાવનુ 34 કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવાનુ કોર્પોરેશને નક્કી કર્યુ છે. આ માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા સૂરસાગર તળાવના બ્યુટિફિકેશનનો આ ત્રીજો પ્રયત્ન છે. 

22 વર્ષ પહેલા સૂરસાગરને સ્વચ્છ કરાયુ હતુ
આ પહેલા 1995માં સૂરસાગરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે વખતે સૂરસાગરના તળીયે ગણેશ વિસર્જનના કારણે જમા થઈ ગયેલો પ્લાસ્ટર ઓફ પેરિસ અને કાદવ કીચડને ઉલેચીને બહાર કાઢવાનુ અને તેને ટ્રેક્ટરમાં ભરીને અન્ય જગ્યાએ નિકાલ કરવાનુ શરૂ કરાયુ હતુ. પણ તેના કારણે આસપાસના વિસ્તારમાં કાદવ કિચડ થવા માંડતા ભારે ઉહાપોહ થયો હતો અને આ કામગીરી પડતી મુકાઈ હતી. એ બાદ તાજેતરમાં કોર્પોરેશને સૂરસાગરના બ્યુટિફિકેશન માટે ૨૫ કરોડનુ બજેટ રાખ્યુ હતુ. જોકે ૨૫ કરોડમાં કોઈ ટેન્ડર ભરવા તૈયાર થયુ નહી હોવાથી હવે શાસકોએ ત્રીજો પ્રયત્ન કર્યો છે. આ વખતે બજેટ વધારીને 34 કરોડ રૂપિયા કરવામાં આવ્યુ છે. સૂરસાગરનો વ્યાપ 6,50,000 ચોરસ કિલોમીટરનો છે. રોડના લેવલેથી સૂરસાગરની ઉંડાઈ લગભગ 12 મીટરની છે. સેંકડો વર્ષોથી સૂરસાગરની અંદર દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી હજારો શ્રીજી પ્રતિમાઓનુ વિસર્જન થતુ હોવાથી સૂરસાગરમાં લગભગ 12 ફૂટ જેટલો પીઓપીનો થર જામી ગયો હોવાનો આંદાજ છે. આ સંજોગોમાં જો કોઈ કંપની બ્યુટિફિકેશનનુ બીડુ ઝડપે તો પણ તેમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસનો જથ્થો કાઢવો કેવી રીતે અને તે પછી તેનો નિકાલ કરવો કેવી રીતે તે એક પડકારજનક કામ હશે. ધારો કે બ્યુટિફિકેશનના ભાગરૃપે સૂરસાગર સ્વચ્છ થઈ ગયા પછી ફરી તેમાં શ્રીજી વિસર્જન થતુ અટકાવાશે કેમ તે પણ એક સવાલ છે. આ માટે લોકોનો સહકાર મેળવવો અને દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ હોવી પણ એટલી જ જરૂરી છે.