રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ સસ્પેન્ડ, સુરક્ષા એજન્સી સામે પણ કાર્યવાહી

રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ સસ્પેન્ડ, સુરક્ષા એજન્સી સામે પણ કાર્યવાહી

ગુડગાંવ: રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાત વર્ષના બાળકની હત્યા પછી પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સ્કૂલની સિક્યુરિટી સંભાળતી એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન વાલીઓએ પણ સ્કૂલ જઈને હોબાળો કર્યો છે. નોંધનીય છે કે, ભોંડસીમાં આવેલી રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલના બાથરૂમમાં બાળકની હત્યા સવારે 8 વાગે થઈ હતી તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી નહીં અને ઘટનાના 3 કલાક પછી સુધી પણ ક્લાસ ચાલુ રાખવામાં આવ્યા હતા.

હત્યા પહેલા બાળક સાથે શારીરિક શોષણનો પ્રયાસ
રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના બાળકના મર્ડર કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. ગુડગાંવ ડીસીપીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, સ્કૂલ બસના કંડક્ટરે બાળક સાથે પહેલાં શારીરિક શોષણનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે બાળકે બૂમો પાડવાનો પ્રયત્ન કર્યો તો કંડક્ટરે તેનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. બસ કંડક્ટરેનું નામ અશોક કુમાર છે. તેણે તેનો ગુનો કબૂલી લીધો છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, શુક્રવારે સવારે બાળકનો મૃતદેહ ટોયલેટમાંથી મળ્યો હતો. બાળકનું ધારદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તેનો એક કાન પણ કપાયેલો હતો. બાળક બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો.

બસ કંડક્ટરના પોકેટમાં હતુ ચપ્પુ
ડીસીપી સિમરદીપ સિંહના જણાવ્યા પ્રમાણે, કંડક્ટર તેના ખિસ્સામાં ચપ્પુ લઈને જ આવ્યો હતો. તે આ ઘટનાની નિયતથી જ બાળકોના ટોયલેટમાં ઘુસ્યો હતો. આરોપીએ પૂછપરછમાં આ વાત જણાવીને તેનો ગુનો સ્વીકારી લીધો છે. તે સ્કૂલમાં છેલ્લા 6-8 મહિનાથી કામ કરતો હતો.