દરજીપુરામાં નિતિન ગડકરી માટે રૂ.૨ કરોડના ખર્ચે રોડ બનાવાશે

દરજીપુરામાં નિતિન ગડકરી માટે રૂ.૨ કરોડના ખર્ચે રોડ બનાવાશે

વડોદરાઃ શહેર નજીક દરજીપુરા ખાતે આવેલી આરટીઓ કચેરીને જોડતો એક કિ.મી.નો ઉબડ ખાબડ, ખાડાઓથી ભરપૂર અને ધૂળની ડમરીઓ ઉડાડતા કાચા રોડને રાતો રાત એક્સપ્રેસ હાઇવે જેવો બનાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તેનું કારણ એ છે કે તા.૧૯મી સપ્ટેમ્બરે કેન્દ્રીય વાનહ વ્યવહાર મંત્રી નિતિન ગડકરી આરટીઓની મુલાકાત લેવાના છે. નિતિન ગડકરીને એક કલાકની મુલાકાત માટે તંત્ર રૂ. ૨ કરોડના ખર્ચે ટનાટન રોડ બનાવામાં જોતરાઇ ગયુ છે. વડોદરા આરટીઓ કચેરી અગાઉ શહેરના મધ્યમાં આવેલા વારસીયા વિસ્તારમાં હતી. બે વર્ષ પહેલા વડોદરાથી ૨૦ કિ.મી. દૂર દરજીપુરા ગામ ખાતે ખસેડવામાં આવી છે એટલે આરટીઓની કામગીરી માટે રોજના સેંકડો લોકોને દરજીપુરા સુધી આવવા જવાનો ૪૦ કિ.મી.નો ધક્કો ખાવો પડે છે ઉપરથી સમસ્યા એ છે ક આરટીઓ સુધી પહોંચવા માટે નેશનલ હાઇવેથી દરજીપુરા ગામમાં પોણો કિ.મી. અંદર જવુ પડે છે અને ત્યા સુધી પહોંચતો રસ્તો ધૂળીયો છે. તેમાં પણ આરટીઓમાં આવતા હેવી વાહનોના કારણે આ રસ્તો ઉબડ ખાબડ થઇ ગયો હતો. જેથી આરટીઓમાં આવતા રોજના સેંકડો લોકો ઉપરાંત દરજીપુરા ગામના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. બે વર્ષથી લોકો મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી ચુક્યા છે પરંતુ આજ સુધી કાચા રોડનો લેવલિંગ પણ કરાયુ નથી. હવે તા. ૧૧ સપ્ટેમ્બરથી આ રોડ બનાવાની કામગીરી શરૂ થશે જેથી તા. ૨૦ સપ્ટેમ્બર સુધી આરટીઓ કચેરી પહોંચવા માટે હાલોલ ટોલ નાકા તરફના રોડ પરથી નો એન્ટ્રી રહેશે. નેશનલ હાઇવેથી દરજીપુરા ગામમાં થઇને આરટીઓ પહોંચવાનુ રહેશે અને આરટીઓથી હાલોલ ટોલ નાકા તરફના રોડ પર એક્ઝિટ રહેશે.