સ્વતંત્રતા દિવસે ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા ફરજિયાત

સ્વતંત્રતા દિવસે ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા ફરજિયાત

15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડ તરફથી એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. શિયા વક્ફ બોર્ડે એક આદેશ જાહેર કરીને કહ્યું છે કે, 15મી ઓગસ્ટે જે જગ્યાએ વક્ફની પ્રોપર્ટી પર સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવશે ત્યાં 'ભારત માતા કી જય'ના નારા લગાવવા ફરજિયાત છે. 

ધ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું હતું કે, 'શિયા વક્ફ બોર્ડે 15મી ઓગસ્ટને લઇને એક આદેશ જાહેર કર્યો છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ભારતનું રાષ્ટ્રગીત પૂરું થયા પછી 'ભારત માતા કી જય'ના નારા લગાવવા ફરજિયાત છે. વક્ફ બોર્ડની જે પણ સંપત્તિ પર 15મી ઓગસ્ટે કાર્યક્રમનું આયોજન થશે ત્યાં આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે. જે કોઈ પણ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે.'

નોંધનીય છે કે દેશ 15મી ઓગસ્ટના રોજ 72મા આઝાદી દિવસની ઉજવણી કરશે. આ દિવસની દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન મોદી દિલ્હીના લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે તેમજ દેશને સંબોધન કરશે. સરકારી કચેરીઓ, સ્કૂલ-કોલેજ તેમજ અનેક જાહેર સ્થળોએ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વાઘા બોર્ડર ખાતે પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.