ડ્રેગન ફ્રૂટની રાજકોટમાં ડિમાન્ડ ઘણી પણ જિલ્લામાં ઉત્પાદન ઓછું

ડ્રેગન ફ્રૂટની રાજકોટમાં ડિમાન્ડ ઘણી પણ જિલ્લામાં ઉત્પાદન ઓછું

પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર એવા ડ્રેગન ફ્રૂટનુ વાવેતર રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધીમી ગતિએ વધી રહ્યું છે, જોકે અહીં ડિમાન્ડના પ્રમાણમાં હજી ઘણું ઓછું વાવેતર જણાઈ રહ્યું છે. વિશ્વના અત્યંત પૌષ્ટિક ટોપ ટેન ફળોમાં ગણાતા ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે જિલ્લાના જૂજ ખેડૂતો જોડાયેલા છે, છતાં આ ફળનો વાર્ષિક અંદાજે ૧૦ ટન જથ્થો બજારમાં ઠલવાતો હોવાનું જાણવા મળે છે. 

બાગાયત વિભાગની કચેરીના સૂત્રો જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં પડધરી અને લોધિકામાં ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ રહી છે. ખેડૂતો એમની અનુકૂળતા અને કાળજીથી એની ખેતી કરે તો નિશ્ચિત ફાયદો મેળવી શકે છે. સૌરાષ્ટ્રમાં ડ્રેગન ફ્રૂટ વાવવાની શરૂઆત ૩ વર્ષ પહેલાં લોધિકાથી થઈ હોવાનો પણ દાવો કરવામાં આવે છે. ત્યાર બાદ કાલાવડના નિકાવા પાસે તેમજ પડધરી વિસ્તારના કેટલાક ખેડૂતોએ પણ આ દિશામાં સાહસ કર્યાનું જાણવા મળે છે. આપણો ઉષ્ણકટિબંધિય વિસ્તાર આ ફળને માફક આવે એવો છે, તેથી એની વાવણીમાં દેખીતી રીતે ખેડૂતોને કોઈ અડચણ આવતી નથી.