બિહાર: આદિત્ય મર્ડર કેસમાં આવ્યો ચુકાદો, JDU નેતાના પુત્ર સહિત ત્રણને આજીવન કેદ

બિહાર: આદિત્ય મર્ડર કેસમાં આવ્યો ચુકાદો, JDU નેતાના પુત્ર સહિત ત્રણને આજીવન કેદ

બિહારના બહુ ચર્ચિત આદિત્ય સચદેવા હત્યાકેસમાં આજે એડીજે કોર્ટે દોષિતોને સજા સંભળાવી હતી. આ કેસમાં જેડીયૂના પૂર્વ એમએલસી મનોરમા દેવીના પુત્ર રૉકી સહિત અન્ય બે આરોપી ટોની અને બોડિગાર્ડ રાજેશને આજીવન કેદની સજા આપવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી બિંદી યાદવને પાંચ વર્ષની જેલની સજા આપવામાં આવી છે. આદિત્યએ રૉકીની ગાડીને સાઈડ ન આપતા રૉકીએ તેની માથામાં ગોળી મારીને હત્યા કરી હતી.

રસ્તામાં સાઈડ માગતી વખતે ઝગડો થયો હતો.
7 મે 2016ના રોજ બોધગયાથી ગયા પરત ફરતી વખતે રોડરેઝ દરમિયાન સ્ટૂડન્ટ આદિત્યની માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આદિત્ય સાથે કારમાં તેના ચાર મિત્રો પણ હતા. આરોપ છે કે, જેડીયુના પૂર્વ એમએલસી મનોરમા દેવીના પુત્ર રૉકી યાદવે આદિત્ય સચદેવાને ગોળી મારી દીધી હતી. 7 મે 2016ના રોજ આદિત્ય તેમના મિત્રો નાસિર, આયુષ અગ્રવાલ, મો. કૈફી, અંકિત અગ્રવાલ સાથે બોધગયાથી ગયા પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાઈડ માગતી વખતે બંને રૉકી અને આદિત્યના ગ્રૂપ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં જ રૉકીએ આદિત્યને માથામાં ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત આદિત્યને સારવાર માટે મેડિકલ કોલેજ લઈ જવામાં આવે તે પહેલાં રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

આ હત્યાકાંડમાં રાકેશ રંજન ઉર્ફે રૉકી અને રાજેશ કુમારને નામયુક્ત આરોપી બનાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મુખ્ય આરોપી રૉકીના પિતા અને ગયા જિલ્લા પરિષદના પૂર્વ અધ્યક્ષ બિંદેશ્વરી પ્રસાદ ઉર્ફે બિંદી યાદવ અને તેમના કઝીન ભાઈ રાજીવ કુમાર ઉર્ફે ટૉની યાદવને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. દરેક આરોપીઓ સામે કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી.

કોણ છે દોષિત રૉકી ?
ભારત સરકારના સ્પોર્ટ્સ વિભાગમાંથી રૉકીને પ્રખ્યાત શૂટર જાહેર કરવામાં આવ્યો છે.રાઈફલ્સ એસોસિયશેન સભ્ય હોવાના કારણે તેને 5 હથિયાર સાથે રાખવાનો અધિકાર છે. રૉકી રાજકીય પરિવારમાંથી છે. તેની મા મનોહર દેવી બિહાર વિધાન પરિષદના સભ્ય છે.જ્યારે પિતા બિન્દેશ્વરી પ્રસાદ ઉર્પે બિંદી યાદવ ગયા જિલ્લા પરિષદના અધ્યક્ષ રહી ચુકેલ છે.