ટંકારામાં મેઘાનો કહેર, 60થી વધુ પશુઓના મોત, આકાશી આફતના દ્રશ્યો

ટંકારામાં મેઘાનો કહેર, 60થી વધુ પશુઓના મોત, આકાશી આફતના દ્રશ્યો

ટંકારા:ગઇકાલે ટંકારામાં પાંચ કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા મેઘરાજાનો કહેર જોવા મળ્યો હતો. ટંકારા પંથકમાં પૂરની વિકટ પરિસ્થિતિ આવી પડી હતી. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ સામે માનવી લાચાર બની ગયો હતો. કુદરતના આ કહેરમાં 60થી વધુ પશુઓનો ભોગ લેવાયો છે. ટંકારાના પંથકમાં ફરી વળેલા વરસાદી પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે. અનેક ગામોમાં ખેતરોના ધોવાણ થઇ ગયા છે તો અમુક જગ્યાએ રોડ રસ્તાઓનું નિશાન પણ રહ્યું નથી. તેમજ ઝુપડામાં રહેતા પરિવારો રસ્તા પર આવી ગયા છે. ઠેર ઠેર કુદરતે વેરેલા વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  


ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં પાણી ફરી વળતા મહત્વના દસ્તાવેજો પલળીને નકામા બન્યા

ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં પાણી ફરી વળતાં સમગ્ર કચેરી જાણે તહસ નહસ બની ગઇ હતી અને મહત્વના એવા દસ્તાવેજો પાણીમાં પલળીને નકામા બની ગયા હતા. તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ પલ્લવીબેન બારૈયા જ્યારે પોતાની કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાંનું ચિત્ર જોતાં અવાચક બની ગયા હતા. કેમ કે આખી કચેરીમાં પાણી ફરી વળ્યા હતા. તમામ ચેમ્બર અને કમરાઓમાં પાણી ફરી વળતાં ખુરશી, ટેબલ, કોમ્પ્યુટર સહિતની સામગ્રીઓ પાણીમાં તરબતર બની ગઇ હતી. કચેરીના તમામ અગત્યના કાગળો, પ્રકરણો, ફાઇલો, પત્રવ્યવહારના કાગળો, અરજી વગેરે પાણીમાં ધોવાઇ ગયા હતા. ઉપરાંત ટેલિફોનના ડબલા પણ પાણીમાં જાણે તરતા હતા.