ભાણવડની આંગણવાડીમાં બાળકોને ઈયળો અને ધનેડાવાળી મગદાળ પીરસાતા ઉહાપોહ

ભાણવડની આંગણવાડીમાં બાળકોને ઈયળો અને ધનેડાવાળી મગદાળ પીરસાતા ઉહાપોહ

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં બાળકોને ધાનેરા અને ઈયળો વાળી મગદાળ બનાવીને ખવડાવી દેવાતા કેટલાક ભૂલકાઓને ઝાડા ઉલટી ચાલુ થઈ જવાથી ઉહાપોહ મચી ગયો હતો.

આંગણવાડી કેન્દ્ર નંબર 7મા ગયા સોમવારે બાળકો માટે મગની દાળ બનાવી ખવડાવવામાં આવી હતી. જે ખાધા બાદ કેટલાય બાળકોને ઝાડા-ઉલ્ટી ચાલુ થઈ ગયા હતા. જેથી બાળકોને ઘરે મોકલી દેવાયા હતા. જ્યાં અમુક બાળકોની તબિયત વધુ બગડતા વાલીઓ આંગણવાડીએ દોડી ગયા હતા અને તેમના બાળકોને શું ખવડાવ્યું તેની તપાસ કરી હતી. જેમાં વાલીઓએ આંગણવાડીમાં પીરસવામાં આવેલી મગદાળ જોતા અંદર ધાનેરા અને ઈયળો દેખાયા હતા. જેથી વાલીઓમાં આક્રોશ છવાયો હતો. વિફરેલા વાલીઓએ મંગળવારે સવારે આંગણવાડી કેન્દ્રમાં એકત્ર થાયને હલ્લાબોલ કરી સંચાલિકા અને સહાયકને બોલાવ્યા હતા. પરંતુ તેઓ વાલીઓનો આક્રોશ જોઈને આવ્યા નહોતા. બાદમાં વાલીઓએ સ્થાનિક નગરસેવિકા અને અન્ય અગ્રણીઓને બોલાવીને આંગણવાડીમાં અસહ્ય ગંદકી સહિતની બાળકોના આરોગ્ય માટે હાનિકારક તકલીફો દેખાડી કડક કાર્યવાહીની માંગણી કરી હતી. આ સાથે મામલતદાર સુધી રજુઆત પણ કરવામાં આવતા આંગણવાડીના ઇન્ચાર્જ સીડીપીઓ તેમજ ગોડાઉન મેનેજરને સ્પષ્ટતા રજૂ કરવા હુકમ કર્યો હતો.

ત્રણ મહિના પહેલાની મગદાળ હોવાનો ખુલાસો
ભાણવડના આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પડતર મગદાળ ખવડાવવામાં આવતા તબિયત લથડી હોવાના ચકચારી પ્રકરણમાં ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું કે 'છેલ્લા ત્રણ માસથી છડી મગની દાળ ઉચ્ચકક્ષાએથી જ ફાળવવામાં આવી નથી.' પરિણામે આંગણવાડીમાં બાળકોને પીરસવામાં આવેલી મગદાળ ત્રણ મહિના પહેલાની પડતર હોવાનું સાબિત થયું છે.