ખેતરમાં આગ લાગતા બાજરીના પુળા બળી ગયા

ખેતરમાં આગ લાગતા બાજરીના પુળા બળી ગયા

 રૃપાલ ગામના ખેત સીમાડામાં ગત રોજ લાગેલ આગમાં ખેડૂત પરિવારના હજારો રૃપિયાની મતાના બાજરીના પૂળા નં. ૪૦૦૦ તથા તેની બાજુમાં પાર્ક કરેલ થ્રેસરનું એક ટાયર બળી જવા પામ્યું હતું. વિજ પુરવઠો વહન કરતા અને તદ્દન ઢીલા એવા તારના ઘર્ષણને કારણે થયેલ શોર્ટ સર્કિટ અને ઊડેલા તણખાને કારણે આ ઘટના બની હતી.

તલોદ તાલુકાના રૃપાલ ગામના કાળુસિંહ મણુસિંહ પરમારના ખેતર ઉપરથી યુજીવીસીએલનો વિજ પુરવઠો વહન કરતા તાર પસાર થાય છે. જે તાર કેટલાક સમયથી ઢીલા પડી જતાં નીચાલ લટકતા અને ઝોલા ખાતા હતા. જેની નીચે ખેતરમાં બાજરીના પૂળાનો જથ્થો રાખવામાં આવ્યો હતો તેમજ તેની બાજુમાં એક થ્રેસર પણ પાર્ક કર્યું હતું. ગત રોજ બપોરે આ પૂળાના ઢગમાં એકાએક આગ ફાટી નીકળતાં હોબાળો મચી ગયો હતો. તત્કાળ ઘટનાની જાણ તલોદ નગરપાલિકાને કરવામાં આવતા પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે આપી પહોંચ્યું હતું. જ્યાં ફાયટરોએ તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.