સુરત: સીટી બસના વધતા અકસ્માતના પગલે ડ્રાઇવરોને પ્રતિજ્ઞા લેવડાવી

સુરત: સીટી બસના વધતા અકસ્માતના પગલે ડ્રાઇવરોને પ્રતિજ્ઞા લેવડાવી

સુરતમાં દોડતી સિટી અને બીઆરટીએસ બસમાં છેલ્લા એક મહિનામાં અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક વધ્યું છે. અનેક અકસ્માત બાદ લોકોમાં સિટી અને બીઆરટીએસ બસની ઇમેજ બગડતા પાલિકાએ અકસ્માત રોકવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે ડ્રાઈવરોને અકસ્માત રોકવા માનસિક રીતે સજ્જ કરવા માટે નો પ્રયાસ પણ થઈ રહ્યો છે. સુરતમાં દોડતી સિટી અને બીઆરટીએસ બસમાં થતા અકસ્માત માટે ડ્રાઇવર સાથે લોકો પણ જવાબદાર બની રહ્યા છે. બંને તરફની ભૂલને કારણે શહેરમાં અકસ્માત ની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સતત થઈ રહેલા અકસ્માત અને નાની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ત્રણથી ચાર અકસ્માતને કારણે પાલિકાને પ્રતિષ્ઠા ને પણ ફટકો પડી રહ્યો છે.

અકસ્માત રોકવા માટે ડ્રાઇવરોને ઘણા વખતથી તાલીમ પણ આપાઇ રહી છે.તેમ છતાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થતાં મહાનગરપાલિકાએ ડ્રાઇવરોને હવે માનસિક તાલીમ આપવાનું પણ શરૂ કર્યું છે.સુરત સીટી બસના અને બીઆરટીએસના ડ્રાઇવરોને ફરજ પર હાજર થાય તે પહેલા તેમને અકસ્માત ન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે. આ પ્રતિજ્ઞા માં તેઓ અકસ્માત માટે કારણભૂત નહીં બને તથા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તેવા પ્રકારના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે તેની સામેના કાચ પર પણ હું અકસ્માત માટે જવાબદાર બનશે નહીં તેવા સ્લોગન લગાવવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનામાં અચાનક જ વધેલા અકસ્માત બાદ પાલિકા તંત્રે મનોમંથન શરૂ કર્યું છે.

અકસ્માત વખતના નજીકના દુકાનોના સીસીટીવી ફૂટેજ પણ મેળવીને અકસ્માત થવાનું કારણ જાણવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. અકસ્માત વખતના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ડ્રાઇવરોની ભૂલ પણ જોવા મળી રહી છે સાથે જ ભોગ બનનાર વાહનચાલકો અને રાહદારીઓ ની ભૂલ પણ સામે આવી રહી છે.બીઆરટીએસ રૂટમાં જે અકસ્માત થાય છે તેના ફૂટેજ જોતા વાહન ને જોઇને રાહદારીઓ અચાનક ગભરાઈ જતાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે તેવું જોવા મળ્યું છે. તો બીજી તરફ બીઆરટીએસ રૂટમાં પણ કેટલાક ડ્રાઇવરો બસ વધુ ઝડપથી ચલાવતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. અકસ્માત માટે રાહદારીઓ અને બસચાલક બંનેની ભૂલ જોતા હવે સુરત મહાનગર પાલિકાએ ડ્રાઈવરોને અકસ્માત રોકવા માટે માનસિક તાલીમ આપવાનું પણ શરૂ કર્યું છે.આ તાલીમના ભાગરૂપે પોતે ફરજ પર હાજર થાય તે પહેલાં લેવામાં આવતી પ્રતિજ્ઞા અને કાચ પર અકસ્માત ન થાય તેવા સ્લોગન નો સહારો લેવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાએ અકસ્માત રોકવા માટે ડ્રાઇવરોને માનસિકતા શરૂ કરી છે પરંતુ તેનાથી અકસ્માત રોકવા મા કેટલી સફળતા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. ડ્રાઇવરોની તાલીમની સાથે-સાથે મહાનગર પાલિકાએ બીઆરટીએસ રૂટમાં જે રાહદારીઓ ચાલે છે એ લોકો માટે પણ જાગૃતિના પ્રયાસ હાથ ધરવા પડે તેવી કામગીરી પણ કરવી પડશે.