વડોદરાઃ રેલવે સ્ટેશનથી વતન પરત જઇ રહેલા પરપ્રાંતીયોને પોલીસ કમિશ્નરે સુરક્ષાની ખાત્રી આપી 

વડોદરાઃ રેલવે સ્ટેશનથી વતન પરત જઇ રહેલા પરપ્રાંતીયોને પોલીસ કમિશ્નરે સુરક્ષાની ખાત્રી આપી 

વડોદરા છોડીને પોતાના વતન પરત ફરી રહેલા પરપ્રાંતીયોને મળવા માટે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહેલોત અને કલેક્ટર શાલિની અગ્રવાલ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે વડોદરા છોડીને જઇ રહેલા પરપ્રાંતીયોને મળીને તેમની સુરક્ષાનો ભરોસો આપ્યો હતો. આ સમયે ઘરે પાછા જઇ રહેલા લોકો પોલીસની જવાબદારીથી પ્રભાવિત થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સાબરકાંઠાના ઢુંઢરમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાને કારણે પરપ્રાંતિયોએ પોતાના વતન પાછા ફરી રહ્યા છે. શહેરમાંથી પણ અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વતન પરત ફરી ચૂક્યા છે. ત્યારે આજે વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહેલોત અને કલેક્ટર શાલિની અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-7 પરથી વતન પરત ફરી રહેલા પરપ્રાંતીયો સાથે વાતચીત કરી હતી. અને તેઓને વડોદરામાં કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તેવો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે જ તેમની સુરક્ષાની પણ પોલીસ કમિશ્નરે ખાત્રી આપી હતી.