વડોદરાઃ પાણીની લાઇનમાં લીકેજ થતાં 4 દિવસથી રેલમછેલ

વડોદરાઃ પાણીની લાઇનમાં લીકેજ થતાં 4 દિવસથી રેલમછેલ

વડોદરાઃ શહેરના સનફાર્મા રોડ પર છેલ્લા 4 દિવસથી પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થવાના કારણે પાણીની રેલમછેલ થઇ રહી છે. પાણી નજીકમાં રહેતા માલધારી પરિવારોના મકાનમાં ઘુસી ગયા છે. ચાર દિવસથી પાણી વચ્ચે રહેલા પરિવારોએ વોર્ડ કચેરીમાં વારંવાર ફરિયાદ કરી હોવા છતાં તેનું નિરાકરણ કરવામાં તંત્રએ રસ દાખવ્યો નથી. શહેરના નવા વિકસી રહેલા સનફાર્મા રોડ પર પીપર તલાવડી પાસે શ્રેમસૃષ્ટી એપાર્ટમેન્ટ નજીક ચાર દિવસથી પીવાની પાઇપ લાઇનમાં ભંગાણ થયું છે. સ્થાનિક રહિશ ગોવિંદ ભરવાડે જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલાં અહીં કેબલ નાંખવાની કામગિરી કરાતી હતી, ત્યારે અચાનક પાણીની પાઇપ લાઇન તુટી ગઇ હતી, જેથી પાણીની રેલમછેલ થઇ ગઇ છે.પાણીનો પ્રવાહ સતત ચાલું હોવાથી નજીકના મકાનોમાં પાણી ઘુસી ગયા છે. જે સ્થળે પાણીની પાઇપ લાઇન તુટી છે, તેનાથી થોડે દુર માલધારી પરિવારોના 40થી વધુ મકાનો છે અને તમામ મકાનોમાં પાણી ઘુસી ગયા છે. રહિશોએ મામલે વોર્ડ કચેરીમાં અરજી કરીને રજુઆત પણ કરી હતી, પણ ચાર દિવસથી તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા હતા. જો કે મંગળવારે સાંજે પાલિકાના કર્મચારીઓ કામગીરી માટે પહોંચ્યાનું તેમણે જણાવ્યું હતું.