વડોદરા: વિસર્જન ટાણે તળાવમાં ગૌવંશનું માથુ મળી આવતા પોલીસ હાઇએલર્ટ

વડોદરા: વિસર્જન ટાણે તળાવમાં ગૌવંશનું માથુ મળી આવતા પોલીસ હાઇએલર્ટ

વડોદરા: શહેરમાં મંગળવીરે શ્રીજીના વિસર્જન માટે તંત્ર કામે લાગ્યુ હતુ ત્યારે શહેરના સંવેદનશીલ વિસ્તારના મધ્યમાં
આવેલા સરસિયા તળાવમાં વિસર્જન ટાણે જ ગાયનું કાપેલું માથું મળી આવતા એક સમયે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
પાલિકાતંત્ર અને ફાયરબ્રિગેડ સ્થળ પર દોડી આવી ગાયનું માથું બહાર કાઢ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ
પર આવી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિકોને અપીલ કરી હતી.
એક તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા વિસર્જન ટાણે આઈ.બી ના ઇનપુટને લઈને જડબેસલાક બંદોબસ્ત
ગોઠવી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો વિસર્જનની સુરક્ષામાં તૈનાત હતા. એવા જ સમયે સંવેદનશીલ
વિસ્તારમાં જ્યાં ગણપતિના વિસર્જન થતા હતા તેવા સ્થળે ગાયનું કાપેલી હાલતનું માથું મળી આવતા ચકચાર જાગી હતી.
સરસિયા તળાવના એક તરફ શ્રીજીનું વિસર્જન ચાલી રહ્યું હતું. એવા સમયે એક તરવૈયાને ગૌવંશનું માથું દેખા દેતા
વિસર્જન એક ટાણે અટકાવી દેવામાં આવ્યું હતું. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ અહીં દોડી આવ્યા
હતા. જ્યારે ફાયરબ્રિગેડની મદદથી ગૌવંશનું માથું બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
સંવેદનશીલ વિસ્તારની વચ્ચે આવેલા સરસિયા તળાવમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા પણ ઠંડા થાય છે. જ્યારે હિન્દુ
સમાજ દ્વારા નાના શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ બે દિવસ પહેલા બકરીઈદના દિવસે ગૌવંશ માથું
નાખવામાં આવ્યું હોવાનું તારણ સાફસફાઈ કોન્ટ્રાકટર અશોક ચૌધરીએ જણાવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું હતું કે
તળાવની સાફસફાઈ દરમિયાન 12 કોથળા ભરીને માસના ટુકડા કાઢ્યા હતા. તેમ છતાંય આ ગૌવંશનું માથું રહી ગયું
હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનામાં કોઈ ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે તંત્રએ તાબડતોડ તળાવની સફાઈ શરૂ
કરાવી હતી. તેમજ પોલીસે પણ સ્થિતિ સંભાળી લીધી હતી.