ખેલ મહાકુંભમાં અવ્યવસ્થાથી દિવ્યાંગ ખેલાડીઓમાં આક્રોશ

ખેલ મહાકુંભમાં અવ્યવસ્થાથી દિવ્યાંગ ખેલાડીઓમાં આક્રોશ

વડોદરા: ખેલ મહાકુંભ અંતર્ગત યુનિવર્સિટી પેવેલિયન પર યોજાયેલી દિવ્યાંગોની રમત સ્પર્ધા દરમિયાન આયોજનની ખામીઓને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. શનિવારે આમંત્રિત મહેમાનો 11.30 વાગ્યા સુધી નહીં આવતાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું. ઉપરાંત, મેદાનમાં વરસાદને કારણે મસમોટા ખાડા હતા. જેમાંથી વ્હીલચેર લઈને પસાર થવામાં તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બીજી તરફ મેદાનમાં સ્વયં સેવકો ઓછા હતા અને ઇન્ફોર્મેશન ડેસ્ક પણ ન હતી.
ખેલાડીઓ માટે પાણીની વ્યવસ્થા ખૂબ દૂર હતી જ્યાં સુધી વ્હીલચેર લઈને પહોંચવું મુશ્કેલ હતું. દિવ્યાંગો માટેની બેઠક વ્યવસ્થામાં પંખા ન હતા. જેથી તેઓને ભારે ઉકળાટમાં કલાકો વિતાવવા પડ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, રમતો માટે પૂરતાં અને યોગ્ય સાધનો પણ ન હતાં. જેને કારણે દિવ્યાંગ ખેલાડીઓ માટે મૂંઝવણભરી સ્થિતિ ઉભી થઈ હતી. વ્હીલચેર હર્ડલ રેસમાં તદ્દન નવા જ પ્રકારનો નિયમ રાખવામાં આવ્યો હતો. જેમાં ખેલાડીઓને પોતાની વ્હીલચેર મૂકીને આયોજકો દ્વારા રાખવામાં આવેલી વ્હીલચેર પર બેસીને જ રેસમાં ભાગ લેવો પડે તેવો અજીબ નિયમ હતો. પરંતુ, ચોંકાવનારી વાત એ હતી કે, આયોજકો દ્વારા આપવામાં આવેલી વ્હીલચેરની હાલત બિલકુલ ખરાબ હતી.
જેથી દિવ્યાંગોને અત્યંત કફોડી હાલતમાં રેસ પૂરી કરવાનો વારો આવ્યો હતો. યુનિવર્સિટી મેદાન પર તડકામાં દિવ્યાંગ ખેલાડીઓને કલાકો સુધી બેસાડી રાખ્યાં. મેદાનના મસમોટા ખાડામાંથી વ્હિલચેર ખેંચીને દિવ્યાંગો થાકી ગયા, પાણી પીવા માટે વ્હીલચેર ઉપર દૂર સુધી જવુ પડ્યું ખેલ મહાકુંભમાં ગેરવહીવટને કારણે દિવ્યાંગ ખેલાડીઓ દયનીય સ્થિતિમાં મુકાયા હતા. ચોંકાવનારી વાત એ હતી કે, રમત-ગમત સ્પર્ધા તેના નિર્ધારિત સમય કરતાં સાડા-ત્રણથી ચાર કલાક મોડી શરૂ થઈ હતી. બળબળતી બપોરે આકરા તડકા અને ઉકળાટ વચ્ચે કલાકો સુધી વ્યર્થ બેસી રહેવાથી ખેલાડીઓ કંટાળી ગયા હતા.