સ્માર્ટ સિટી વડોદરામાં ઠેર-ઠેર ભૂવા પડ્યા

સ્માર્ટ સિટી વડોદરામાં ઠેર-ઠેર ભૂવા પડ્યા

વડોદરા: માંજલપુર પાટીદાર ચોકડી પાસે પડેલો ભૂવો સાત દિવસથી મરામતની રાહ જોઇ રહ્યો છે તો પશ્ચિમ વિસ્તારમાં વહીવટી વોર્ડનં11ની કચેરીને અડીને આવેલા રોડના ખૂણા પર ભૂવો પડતાં તંત્ર માટે બાર સાંધે ને તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.1ના રોજ વડોદરામાં શ્રીજી દર્શન માટે આવ્યા હતા અને શહેરનાં દસ ગણેશમંડળોની મુલાકાત લીધી હતી. જેમાં, તેમણે માંજલપુરનાં ગણેશ મંડળોની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની વડોદરાથી વિદાયની ગણતરીની પળોમાં માંજલપુર પાટીદાર ચોકડી પાસેના રોડ પર તા.1ના રોજ મોડી રાતે મસમોટો ભૂવો પડ્યો હતો. ભૂવાના કારણે કોઇ દુર્ઘટના ના સર્જાય તે માટે સ્થાનિક રહીશોએ પાલિકાને તેની જાણ કરી હતી. સાત સાત દિવસ સુધી પાલિકાને ભૂવાની મરામતની કામગીરી શરૂ કરવાનું મુહૂર્ત મળ્યું નથી અ્ને તેના કારણે જોખમી ભૂવો કોઇનો ભોગ લે તેવી દહેશત સ્થાનિકો વ્યકત કરી રહ્યા છે. 20 ફૂટથી વધુ ઉંડાઇના ભૂવા ફરતે માત્ર કોર્ડન કરવાની તસદી તંત્રે લીધી છે અને ગણેશ વિસર્જન સુધી એક તસુભાર કાર્યવાહી કરી નથી અને શ્રીજી વિસર્જન થયે બે દિવસ વિત્યા ત્યાં સુધી પણ કામગીરી થઇ નથી.