વડોદરા: પત્નીના અત્યાચારથી તંગ યુવાને તેની સામે દવા પીધી

વડોદરા: પત્નીના અત્યાચારથી તંગ યુવાને તેની સામે દવા પીધી

વડોદરા: સલાટવાડા વિસ્તારમાં રહેતા યુવાને બીજું લગ્ન થયા બાદ લગ્નના પાંચ માસ દરમિયાન યુવતીએ સતત માનસિક ત્રાસ આપતાં યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં યુવાનની માતાએ યુવતી અને તેના પરિવાર સામે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
સલાટવાડામાં રહેતાં નયનાબેન ચૌહાણની ફરિયાદ મુજબ તેમના પુત્ર નિકુંજનું ગત 28-04-17ના રોજ મૂળ રાજસ્થાનની અમિતા સુરેશ પવાર સાથે લગ્ન થયું હતું. લગ્ન બાદ અમિતાએ વડોદરા આવીને ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. હું તારાં બાળકો પેદા કરવા આવી નથી અને મને ફાવે તે રીતે રહીશ, તું મારું કંઇ બગાડી શકે તેમ નથી, તેમ જણાવીને અમિતાએ કાયમ માટે કંકાસ શરૂ કર્યો હતો. જેથી યુવાનના કાકા અમિતાને રાજસ્થાન મૂકી આવ્યા હતા.
ગત 6 સપ્ટેમ્બરે અમિતા અને તેના કાકા અને ફૂવા સાથે નિકુંજના ઘેર આવી હતી. જો કે નિકુંજના પરિવારે અમિતાને સુધરવું નથી તો કેમ મૂકવા આવ્યા તેમ જણાવતાં અમિતાના સ્વજનોએ તમારે તેને રાખવી પડશે કહી ધમકી આપી હતી. અમિતાના પરિવારે ધમકી આપતાં તેમની સામે જ નિકુંજે ઝેરી દવા પી લીધી હતી. નિકુંજને તત્કાળ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું.