પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી, ફાંસો ખાઈને મોતને ભેટ્યા

પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી, ફાંસો ખાઈને મોતને ભેટ્યા

વડોદરાઃ પાદરા તાલુકાના ચાણસદ ગામની સીમમાં પરિણીત પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી મોતને ભેટ્યા હતા. યુગલે ઝેરી દવા પી લીધા બાદ લીમડાની ડાળ પર દુપટ્ટાથી ફાંસો ખાધો હતો. મૃતક યુવતીના પિતા ગામની સીમમાં ભેંસો ચરાવવા જતાં હતા ત્યારે તેમણે કોઇ યુગલે ફાંસો ખાઘો હોય તેમ જોયુ હતુ. પ્રેમમાં અંધ બનેલા આ પ્રેમી યુગલને માસુમ સંતાનો પણ છે.
વડોદરા જિલ્લાના ખલીપુર ગામમાં રહેતા મગન વિઠ્ઠલ રાઠોડીયા મજૂરી કામ કરે છે. તેમને 3 સંતાનો પૈકી નાની દીકરી સુમિત્રાનું લગ્ન ડભોઇ તાલુકાના મહંમદપુરા ગામમાં રહેતા અર્જુન રાઠોડીયા સાથે થયું હતું. પતિ સાથે અણબનાવ બનતા સુમિત્રા છેલ્લા એક વર્ષથી પિયરમાં રહેતી હતી. જ્યારે તેનો અઢી વર્ષનો પુત્ર ગટ્ટુ તેના પિતા સાથે મહંમદપુરા ગામમાં રહે છે. સુમિત્રાને વડોદરામાં મકરપુરા વિસ્તારમાં આવેલા પદમપાર્ક સોસાયટીમાં રહેતા ભયલાલ રણછોડ વસાવા (ઉં.વ.35) સાથે પ્રેમ સબંધ હતો.
સુમિત્રા અને ભયલાલ એક-બીજાના પ્રેમમાં પાગલ હતા. અવાર-નવાર એકાંતમાં મળતા હતા અને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ, તેઓ પરિણીત અને તેઓને સંતાનો પણ હોવાથી બન્ને માટે લગ્ન કરવા મુશ્કેલ હતા. સુમિત્રા અને ભયલાલને ખબર હતી કે, ઋઢિચુસ્ત સમાજ તેઓના પ્રેમને સમજી નહીં શકે. અને સમાજ તેઓને સાથે રહેવાની મંજૂરી પણ નહીં આપે. પરંતુ, તેઓને સાથે મરતા કોઇ રોકી શકશે નહીં. આથી આ પ્રેમી યુગલે પોતાના માસુમ સંતાનોની પરવા કર્યા વિના ચાણસદ ગામની સીમમાં જઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.