પારૂલ યુનિવર્સિટીના સંચાલકોની દાદાગીરીઃ વિદ્યાર્થીઓની માર્કશીટ અને એલસી આપતા નથી

પારૂલ યુનિવર્સિટીના સંચાલકોની દાદાગીરીઃ વિદ્યાર્થીઓની માર્કશીટ અને એલસી આપતા નથી

વડોદરાઃ શહેરની પારૂલ યુનિવર્સિટીના સંચાલકો  વિદ્યાર્થીઓ એક વખત પ્રવશ મેળવ્યા બાદ અન્ય સંસ્થામાં ના જાય તે માટે તેમની ઓરિજિનલ માર્કશીટ અને એલસી જેવા દસ્તાવેજો લઈ લેતા હોવાની વિગતો સપાટી પર આવી છે. પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનુ યેન કેન પ્રકારે આર્થિક શોષણ કરીને લૂંટ ચલાવાતી હોવાનુ આ વધુ એક ઉદાહરણ છે.વિદ્યાર્થી જ્યારે કોઈ પણ કોલેજમાં પ્રવેશ લે ત્યારે તેણે પોતાની અસલ માર્કશીટ, એલસી અને અન્ય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલેજને આપવા પડતા હોય છે. વેરિફિકેશન બાદ કોલેજ સંચાલકોએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીને પાછા આપી દેવાના હોય છે. પણ પારૂલ યુનિવર્સિટીના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી ૧૦૦૦૦ રૂપિયા ડિપોઝીટ તો લે છે જ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીનો અભ્યાસ પુરો ના થાય ત્યાં સુધી પરત કરતા નથી. એક વિદ્યાર્થીએ નામ નહી આપવાની શરતે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ અધવચ્ચે યુનિવર્સિટીમાંથી અન્ય સંસ્થામાં જતા ના રહે તે માટે તેમને ડોક્યુમેન્ટ પાછા નથી અપાતા. જો વિદ્યાર્થી છોડી જવા માગે તો ડોક્યુમેન્ટ પાછા આપવા માટે તેમને પુરેપુરી ફી ભરવાની ફરજ પાડવામાં આવે છે.વિદ્યાર્થી કે વાલી જો બહુ કાલાવાલા કરે તો શાકમાર્કેટની જેમ ભાવતાલ કરવામાં આવે છે. મેં પોતે છેલ્લા સેમેસ્ટરનો અભ્યાસ કર્યો નથી અને મને સંચાલકો ડોક્યુમેન્ટ પાછા આપવામાં અખાડા કરી રહ્યા છે. આવુ દરેક કિસ્સામાં થતુ હોય છે. ખુલ્લેઆમ પારૂલ યુનિવર્સિટીના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે.