ગુજરાતમાં 2021 સુધીમાં 7 હજાર કરોડના રોકાણો લવાશેઃ રૂપાણી

ગુજરાતમાં 2021 સુધીમાં 7 હજાર કરોડના રોકાણો લવાશેઃ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-2018નો પ્રારંભ કરાવ્યો હતો. સમિટ દરમિયાન તેમણે ઉચ્ચાર્યું હતુ કે, આજની યુવાશકિત પોતાના આગવા ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમિમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જ છે, પરંપરા મુજબની ચાલી આવતી પ્રક્રિયાઓમાં સમયાનુકુલ ટેકનોલોજીયુકત પરિવર્તન લાવવાની ક્ષમતા સ્ટાર્ટઅપ્સમાં છે. ગુજરાતમાં 2021 સુધીમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવાની અને 7 હજાર કરોડના રોકાણો લાવવાની નેમ છે. યુવાશકિત સ્ટાર્ટઅપથી જોબ સીકરમાંથી જોબ ગીવર બની છે. ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું અગ્રીમ રાજ્ય છે.
સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે અને આ ડેમોગ્રાફિક ડીવિડન્ડ જ સ્ટાર્ટઅપ ક્રાંતિ લાવી દેશને વિશ્વગુરૂ બનાવશે. સમગ્ર વિશ્વમાં કંઇને કંઇ નવું કરવાની તમન્ના, ધગશ સાથે આવેલા યુવા સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રના નવોન્મેષી યુવાઓ સાથે વૈચારિક આદાન-પ્રદાનથી ભારતને સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ બનાવવાનું નેતૃત્વ આ યુવાશકિત લેશે તેમ વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું.