ગાંધીનગરઃ અધિકારીઓને એસીબીની ચેતવણી છતાં ગિફ્ટ ભરેલી કાર જોવા મળી

ગાંધીનગરઃ અધિકારીઓને એસીબીની ચેતવણી છતાં ગિફ્ટ ભરેલી કાર જોવા મળી

દિવાળી તહેવારને લઇ તાજેતરમાં એસીબી(એન્ટી કરપ્શન બ્યૂરો)એ કોઇ અધિકારી ગિફ્ટ લેશે તો તેની સામે કાર્યવાહી કરવા માટે ચેતવણી આપી હતી. પરંતુ આદેશના થોડા દિવસમાં જ અધિકારીઓ ગિફ્ટ લેતા થઇ ગયા હોય તેમ લાગે છે. ગિફ્ટ લેવાને લઇ એસીબીએ ચેતવણી આપી હોવા છતાં આજે ગાંધીનગરમાં ગિફ્ટ ભરેલી કાર જોવા મળી છે. આ ગિફ્ટ ભરેલી કારનો વીડિયો વાઇરલ થયો છે. દિવાળીનો તહેવાર આવતા જ ખાનગી કંપનીઓ પોતાના કામ કરાવવા માટે સરકારી બાબુઓને ભેટ-સોગાદ પહોંચાડવાની તજવીજ ચાલુ કરી છે. તો બીજી તરફ કેટલાક એવા અધિકારીઓ પણ છે જે ભેટ સોગાદ ઉપરાંત કામ કરવા માટે લાંચની રકમ પણ વસૂલી રહ્યા છે. આ પરિસ્થિતિને પગલે એસીબીના અધિકારીઓ પણ સક્રીય બન્યા છે. એસીબીએ આવા સરકારી કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે અને કેટલાયે અધિકારીઓને ત્યાં રેડ કરીને રોકડ રકમ ઉપરાંત ભેટ સોગાદો જપ્ત કરવામાં આવી રહી છે.