કોન્ટ્રાક્ટર ભાગી જતાં એરપોર્ટ પર ફ્રી પાર્કિંગ

કોન્ટ્રાક્ટર ભાગી જતાં એરપોર્ટ પર ફ્રી પાર્કિંગ

વડોદરા: નવા એરપોર્ટ ખાતે પાર્કિંગ ટેન્ડર ભરનાર કોન્ટ્રાકટરને આવક ઘટતાં કાર પાર્કિંગ સાચવવાનું બંધ કરી દીધું છે. એક સપ્તાહથી એરપોર્ટમાં અનાયાસે લોકોને ફ્રી પાર્કિંગની સુવિધા મળી રહી છે. ઇન્ટર્નેશનલ કક્ષાનું એરપોર્ટ બિલ્ડિંગ બનાવ્યા બાદ સત્તાધીશો દ્વારા તમામ ટેન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. જોકે જૂના એરપોર્ટ ઉપર આવતા મુસાફરોની સંખ્યામાં કોઇ વધારો થયો નથી. જેથી કોન્ટ્રાકટરોને નુકસાન જઇ રહ્યાની બૂમ ઉઠી છે.જ્યારે ફૂડ કોર્ટ જેવી સુવિધા શરૂ થઇ શકતી નથી. 

એરપોર્ટ દ્વારા આવી જ રીતે પાર્કિંગ કોન્ટ્રાક્ટમાં ભાવવધારો કરાયો હતો. જૂના એરપોર્ટ બિલ્ડિંગ કરતાં નવામાં રૂા. 6.50 લાખનો ભાવ નક્કી કર્યો હતો. જે અંગે રૂ. 11 લાખ મહિનેવાળું ટેન્ડર મંજૂર કરી કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષ માટે અપાયો હતો. પરંતુ માત્ર 10 મહિનામાં કોન્ટ્રક્ટરને ખોટ જતાં પાર્કિંગ રેઢું મૂકી જતા રહ્યા હતા. એક સપ્તાહથી એરપોર્ટ ખાતે આવતા વાહનને ફ્રી પાર્કિંગની સુવિધા મળી રહી છે. એક કારના 7 મિનિટથી વધુ સમય થતાં રૂ. 60 ચાર્જ થતો હતો.