રખડતા ઢોરોના ઉપદ્રવને કારણે ખાસ પોલીસ ફોર્સની નિયુક્તિ કરી

રખડતા ઢોરોના ઉપદ્રવને કારણે ખાસ પોલીસ ફોર્સની નિયુક્તિ કરી

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ઘણાં નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે ત્યારે નગરજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા માટે શહેર પોલીસની એક ખાસ ટીમ કોર્પોરેશનને ફાળવવામાં આવી છે. અગાઉ ગોપાલકો સામે આઇપીસી હેઠળ ગુનો દાખલ કરવાની અને માથાભારે ગોપાલકોની યાદી બનાવી પાસા કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક સમયથી પોલીસની કામગીરી ઠંડી પડી જતા મ્યુ.કમિશ્નરે પત્ર લખી પોલીસ કમિશ્નરને કડક હાથે કામ લેવા માટે અનુરોધ કર્યો હતો. પોલીસ કમિશ્નરે કોર્પોરેશનની ઢોરપાર્ટી સાથે બંદોબસ્તમાં જતા પોલીસ ફોર્સમાં વધારો કર્યો છે અને એક પીએસઆઇ સાથે ૧૨ પોલીસ જવાનોની ટીમને આ કામગીરી માટે રોજ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ટીમે કામગીરી ચાલુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસની એક વાનમાં જઇ શકે તેટલી જ સંખ્યામાં જવાનો મોકલવામાં આવતા હતા. જ્યારે હવે પુરતો ફોર્સ ફાળવી વારંવાર કેસો થયા હોય તેવા ગોપાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.