કોંગ્રેસના આશા પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ

કોંગ્રેસના આશા પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ

લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં નારાજગી વધવા લાગી હોય તેમ પ્રતિત થઇ રહ્યું છે. આજે ઉંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસને મોકલેલા રાજીનામાંના પત્રમાં આશાબેને લખ્યું છે કે, રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે, જ્યારે વડાપ્રધાન મોદીએ સવર્ણોને 10 ટકા અનામત આપી છે ત્યારે કોંગ્રેસને નાતિ-જાતિને લડાવવામાં રસ છે. કોંગ્રેસને મોકલેલા રાજીનામાંમાં આશા પટેલે લખ્યું કે, છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી. અમારા મતવિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે  અમે સતત લડીએ છીએ અને ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી. જેના કારણે અમે અને પ્રજા હેરાન થઈએ છીએ. કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને પ્રજાના કામોમાં સહયોગ ન મળતો હોવાથી ચૂંટાયેલ સભ્ય તરીકે ચાલુ રહેવાનો મને કોઈ અધિકાર નથી.