કમાટીબાગના ઝૂમાં વાઘ, સિંહ, દીપડા માટે નવા એન્કલોઝર બનાવવામાં આવશે

કમાટીબાગના ઝૂમાં વાઘ, સિંહ, દીપડા માટે નવા એન્કલોઝર બનાવવામાં આવશે

વડોદરાઃ કમાટીબાગના ઝૂમાં માં હાલમાં પર્યટકો વાઘ, સિંહ, દીપડા, રીંછ  પિંજરામાં આંટાફેરા કરતા જુવે છે. પરંતુ હવે આગામી દિવસોમાં કોર્પોરેશને પ્રાણી સંગ્રહાલયનું વિસ્તૃતિકરણનું કામ શરૂ કર્યુ છે. તે પૂર્ણ થતા પર્યટકો વન્ય પ્રાણીઓને નૈસર્ગિક વાતાવરણમાં ખેલકુદ કરતા કે પાણીમાં મોજમસ્તી કે ઝાડ પર બેઠેલા નિહાળી શકશે. કોર્પોરેશન દ્વારા પ્રાણી સંગ્રહાલયનું વિસ્તૃતિકરણ અને હોસ્પિટલ બનાવવા પાછળ છ કરોડ ખર્ચ કરશે ઝુ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ કરતા નાની સાઇઝના વન્ય પ્રાણીઓ માટે પિંજરા સયાજીરાવ ગાયકવાડ સમયના હતા તેના સ્થાને હવે નિયમ પ્રમાણે વન્ય પ્રાણીઓ ખુલ્લામાં હરીફરી શકે તેમજ જંગલમાં રહેતા હોય તે પ્રમાણેની સુવિધા સાથેના ૧૫૦૦ થી ૨૦૦૦ ચોરસ ફુટના મોટા પિંજરા બનાવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યુ છે. કોર્પોરેશનના ઝુ વિભાગ દ્વારા હાલમાં જે સ્થળે વાઘ, સિંહ, દિપડા, રીંછ રહે છે તે સ્થળે પિંજરાની સાઇઝમાં વધારો કરવામાં આવશે તેમજ આ પિંજરા ઉપરના ભાગેથી ખુલ્લા રાખવામાં આવશે. સાથે સાથે વન્ય પ્રાણીઓ જંગલમાં રહેતા હોય અને મોજમસ્તી કરતા હોય તેવુ નૈસર્ગિક વાતાવરણ મળી રહે તેવા એન્કલોઝર બનાવવામાં આવશે. આ એન્કલોઝરની ઉંચાઇ સાડા પાંચ મીટર રાખવામાં આવશે. કોર્પોરેશન પાસે હાલમાં ચાર વાઘ છે જેના માટે બે એન્કલોઝર બનાવવામાં આવશે.