અકસ્માત થયા બાદ સરકારને સ્કૂલ વર્ધીના વાહનોમાં ગતિ- મર્યાદા નક્કી કરવાનું યાદ આવી

અકસ્માત થયા બાદ સરકારને સ્કૂલ વર્ધીના વાહનોમાં ગતિ- મર્યાદા નક્કી કરવાનું યાદ આવી

રાજ્યમાં સ્કૂલ વાહનોના અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારને સ્કૂલ વર્ધીના વાહનોમાં ગતિ મર્યાદા નિયત કરવાનું યાદ આવે છે. શુક્રવારે અમદાવાદના ચાંગોદર પાસે સ્કૂલ વાહનના અકસ્માતમાં 15 બાળકોને સામાન્ય અને 3 બાળકો ગંભીર ઇજા થયા પછી સરકારે રાજ્યના તમામ સ્કૂલ વર્ધીના વાહનોમાં સ્પીડ લીમીટ નક્કી કરવાની કવાયત શરૂ કરી છે. મામલે આગામી સપ્તાહે ખાસ બેઠક બોલાવવામાં આવનાર છે. અગાઉ અનેક વખત સ્પીડ લિમિટ મામલે કવાયત કર્યા બાદ રાજ્યનું વાહન વ્યવહાર તંત્ર તેનો અમલ કરાવી શક્યું નથી. સ્કૂલ વર્ધીના વાહનોના ફરજિયાત રજિસ્ટ્રેશનનો નિયમ બન્યા પછી પણ હજુ અનેક વાન રજીસ્ટ્રેશન વિના દોડી રહી છે. અમદાવાદના અકસ્માત પછી હવે સરકારને ફરી એકવાર તમામ વિષયો યાદ આવ્યા છે. વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયાએ કહ્યું કે, સ્કૂલ વાહનો બેફામ દોડે તે વ્યાજબી નથી. સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા-લઇ જવાની કામગીરી કરનાર બસથી લઇને વાન અને રીક્ષા સુધીના વાહનોની ગતિ નિયત કરાશે. આગામી સપ્તાહે વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓની એક બેઠક બોલાવાશે જેમાં કેવા પ્રકારના વાહનોમાં કેટલી ગતિ મર્યાદા રાખવી તેનો નિર્ણય લેવાશે. 
સ્કૂલ વર્ધીના વાહનોના રજીસ્ટ્રેશન, સલામતીની વ્યવસ્થા સહિતની બાબતો અંગે પણ નિયમોના અમલીકરણની તાકીદ કરાશે. સાથે સ્કૂલ સંચાલકોને પણ બેઠકમાં બોલાવી વાહનોની નોંધણી કરવા અને તેમના હસ્તકના વાહનોેમાં પણ સલામતીની વ્યવસ્થા રાખવા સૂચના અપાશે.