શાળામાં વિદ્યાર્થીઓને છાપરે ચઢાવી સફાઇ કરાવાતાં વિવાદ

શાળામાં વિદ્યાર્થીઓને છાપરે ચઢાવી સફાઇ કરાવાતાં વિવાદ

વડોદરા: શહેરની બરાનપુરા નાની શાક માર્કેટ પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રમણલાલ એન. શાહ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઇની કામગીરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. શાળા સંકુલમાં આવેલા પતરા પર પાણીથી સાફ સફાઇ કરવા માટે જોખમી રીતે વિદ્યાર્થીઓ ચઢ્યા હોવાના પગલે વિવાદ ઉભો થયો હતો. શાળા સંકુલ સહિત પતરા પર પાણીથી સફાઇ માટે સ્કૂલના કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ પણ હોવાનું બહાર આવ્યું હતું. વાલી મંડળના ઉપપ્રમુખ ફારુક સોનીએ જણાવ્યું હતું કે જે પ્રકારે બાળકો પાસે જોખમી રીતે શાળાના પતરા પર સફાઇ કરાવવામાં આવી રહી છે તે ગંભીર બેદરકારી છે અને જે પણ જવાબદાર હોય તેની સામે પગલાં ભરવાં જોઇએ.
શિક્ષણ સમિતિના અધ્યક્ષ મીનાબા પરમારે જણાવ્યું હતું કે શાળાના બાળકો પાસે કોઇ સફાઇ કરાવવામાં આવી નથી. શાળાના પગી અને તેનો પુત્ર પતરા પર કબૂતર મરી ગયું હોવાથી સફાઇ માટે ચઢ્યા હતા અને શાળાના આચાર્ય પાસે તેની પરવાનગી પણ લીધી હતી. તેમની સાથે શાળાનો પટાવાળો પણ હતો.