એસ.એસ.જી.ના પીડિયાટ્રિક વોર્ડમાં પંખો તૂટી પડતાં બાળદર્દી સહિત 3ને ઇજા

એસ.એસ.જી.ના પીડિયાટ્રિક વોર્ડમાં પંખો તૂટી પડતાં બાળદર્દી સહિત 3ને ઇજા

વડોદરાઃ એસ.એસ.જી.ના પીડિયાટ્રિક વોર્ડમાં ગતરોજ 2 વાગ્યાના સુમારે ડોક્ટર દર્દીનું બ્લડ સેમ્પલ લઇ રહ્યા હતા જ્યારે તેની માતા અને દાદા પલંગ પાસે જ બેઠાં હતાં. દરમિયાન દીવાલ પર ક્લેમ્પમાં લગાવેલો પંખો પાઇપમાંથી અચાનક તૂટી પડતાં પલંગની પાસે બેઠેલા પિતા-પુત્રીના માથા પર પડતાં બંનેને ઇજા થઇ હતી. આ ઉપરાંત બાળ દર્દીને પણ નાકના ભાગે ઇજા થઇ હતી.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા સ્થિત કંડોરા ગામે રહેતા 56 વર્ષીય અરવિંદ શંકરભાઇ બારિયા ખેતમજૂરી કરે છે. તેમની દીકરી મનીષા જગદીશભાઇ બારિયાના 7 વર્ષીય પુત્રને બીમારીના કારણે મંગળવારે સવારે સયાજી હોસ્પિટલમાં લાવ્યાં હતાં.  ઘટનાના પગલે સમગ્ર વોર્ડમાં નાસભાગ થઇ ગઇ હતી. બંન્નેને સારવાર માટે સયાજી હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે લઇ જવાયાં હતાં. ઘટના અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગયા વરસે પીડીયાટ્રિક વોર્ડમાં પીઓપીની છત પડી જતાં હોસ્પિટલના સતાધીશો ચોંકી ઉઠયા હતા. તાજેતરમાં પીડિયાટ્રિક વિભાગમાં ઓક્સિજનના અભાવે બાળકનું મોત નીપજ્યું હોવાનો તેના પિતા અને મામાએ આક્ષેપ કરતાં હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તપાસ કમિટી બનાવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં પીડિયાટ્રિક વિભાગમાં જ બાળદર્દી પર પંખો તૂટી પડવાની ઘટના બની હતી.
પીડિયાટ્રિક વોર્ડમાં દીવાલો પર ક્લેમ્પથી લગાવેલા પંખાઓ પૈકી કેટલાય ખખડધજ થઇ ગયા છે. સૂત્રો અનુસાર, જે પંખો પડ્યો તે છેલ્લા કેટલાક દિવસથી હાલતો હતો. સ્ટાફે આ સંદર્ભે સત્તાધીશોનું ધ્યાન પણ દોર્યું હતું અને ચાર વખત રિમાન્ડર પણ મોકલ્યાં હતાં. જેના પગલે પીઆઇયુના કર્મચારી પંખાનું નિરીક્ષણ પણ કરી ગયા હતા. જોકે, પંખા માટે દરકાર નહિ લેવાતાં તૂટી પડ્યો હતો. વોર્ડમાં સંખ્યાબંધ પંખાઓ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે