PMના કાર્યક્રમમાં લોક મહેરામણ માટે 2000 ST બસો દોડાવાશે

PMના કાર્યક્રમમાં લોક મહેરામણ માટે 2000 ST બસો દોડાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડભોઇ ખાતે યોજાનાર મા નર્મદા મહોત્સવમાં અંદાજે 2000 એસ.ટી.બસ ફાળવવા માગણી કરવામાં આવી છે. જે રાજ્યની કુલ બસની 25 ટકા બસ થાય છે.આ બસ બંધ રહેતાં અંદાજે રાજ્યના 3.60 લાખ મુસાફરોને અસર થશે. વડોદરા ડેપો દ્વારા તમામ કાર્યનું સંકલન કરવામાં આવશે. વડોદરા ડિવિઝનની કુલ બસ પૈકી 150 બસ ફાળવવામાં આવતાં વડોદરા ડેપોની પ0 ટકા ટ્રિપ તા. 17મીના બંધ રહેવાનાં એંધાણ વર્તાય છે.

વડોદરાના ડભોઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા ડેમ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જે કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિવિધ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. તે માટે વડોદરા કલેક્ટર દ્વારા એસ.ટી. વિભાગ પાસે 2000 બસ માંગવામાં આવી છે. જોકે આટલી મોટી સંખ્યામાં બસ ફાળવવી શક્ય હોવાથી 1400 બસ ફાળવવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યમાં અંદાજે કુલ 7000 એસટી બસ છે. જે પૈકી 25 ટકા જેટલી બસ વડાપ્રધાનના કાર્યક્રમમાં જશે તો સામાન્ય નાગરિકને હેરાન થવું પડશે. તા. 16મીએ રાત્રીથી 17મીએ રાત્રી સુધી ટ્રિપ બંધ રહેશે. અંદાજે દોઢ દિવસ માટે નાગરિકોને હેરાન થવું પડશે. જ્યારે વડોદરા ડિવિઝનની અંદાજે 350 બસો પૈકી 150 બસ ફાળવવામાં આવશે. વડોદરા ડિવિઝનના અધિકારીના જણાવ્યા મુજબ નડિયાદ, સુરત, ભરૂચ અને અમદાવાદથી બસ લેવી પડશે. જે કયા ડેપોથી કેટલી બસ આવશે તે સોમવારે નક્કી થશે. અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને નાણાં પરત કરવામાં આવશે. અમારે વડોદરા કલેકટરની સૂચના મુજબ એકત્ર કરેલી બસ જે-તે વિસ્તારમાં મોકલવાની છે. સિટીની બસોની પણ મદદ લેવાશે.