ગંભીર બીમાર ફેનને મળી શ્રદ્ધા, સાંતાક્રૂઝની બાળકીને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે

ગંભીર બીમાર ફેનને મળી શ્રદ્ધા, સાંતાક્રૂઝની બાળકીને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે

મુંબઇની પ્રસિદ્ધ કેઇએમ હૉસ્પિટલમાં છેલ્લા થોડા મહિનાથી ટીબીની સારવાર હેઠળ રહેલી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે વાટ જોતી પોતાની એક ફેનને મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂર સામે ચાલીને મળી હતી. સુમૈયા શેખ નામની આ બાળાની તબિયત દિવસે દિવસે બગડતી ચાલી હતી. એકવાર વાતવાતમાં એણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે જો હું ન બચવાની હોઉં તો એકવાર શ્રદ્ધા કપૂરને મળવાની મારી ઉત્કટ ઇચ્છા છે.

હૉસ્પિટલના સ્ટાફે એક દૈનિકમાં અને સોશ્યલ મિડિયા પર આ વાત પ્રગટ કરી હતી. શ્રદ્ધાના ધ્યાનમાં આ વાત આવતા એણે તરત સામે ચાલીને સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે મારે સુમૈયાને મળવું છે. મંગળવારે શ્રદ્ધાએ સુમૈયાની મુલાકાત લીધી હતી. એના કુશળક્ષેમ પૂછ્યા હતા. એને આશ્વાસન આપ્યું હતું અને એનો આત્મ વિશ્વાસ વધારવાનો પ્રયાસ પણ કર્યો હતો એવું સુમૈયાની નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું. શ્રદ્ધા હાલ સાહો ફિલ્મના અંતિમ તબક્કાનું શૂટિંગ કરી રહી છે. એણે સમય કાઢીને આ બાળકીની મુલાકાત લીધી હતી એમ હૉસ્પિટલનાં સૂત્રોએ કહ્યું હતું.