ભાઇના પગલે એકતા કપૂર પણ સરોગસીથી માતા બની

ભાઇના પગલે એકતા કપૂર પણ સરોગસીથી માતા બની

વીતેલા જમાનાના સુપર સ્ટાર જિતેન્દ્રની પુત્રી અને બાલાજી ટેલિફિલ્મ્સ કંપનીની માલિક એકતા કપૂરે સરોગસીથી બાળક પ્રાપ્ત કર્યું હોવાની જાણકારી મળી હતી. એકતા હાલ ૪૩ વર્ષની છે. અત્રે એ નોંધવું જોઇએ કે ત્રણ વર્ષ પહેલાં એકતાના અભિનેતા ભાઇ તુષાર કપૂરે પણ સરોગસીથી પુત્ર પ્રાપ્ત કર્યો હતો. એક સમયે એકતા પોતાના બાળપણના દોસ્ત અને હાલ ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહર સાથે પરણવાની હતી એવી વાત હતી. પરંતુ કરણ જોહરે એનો અનુકૂળ પ્રતિભાવ આપ્યો નહોતો એટલે એ વાતનું આપોઆપ બાળમરણ થઇ ગયું હતું.

એ પછી કરણ જોહરે સરોગસીની મદદથી એક પુત્ર અને એક પુત્રી મેળવ્યાં હતાં. હવે કરણને અનુસરીને એકતાએ પણ સરોગસીથી સંતાન પ્રાપ્ત કર્યું હોવાની માહિતી મળી હતી. એકતાએ ૨૭ જાન્યુઆરીએ પુત્ર પ્રાપ્ત કર્યો હતો જે આજકાલમાં ઘેર આવશે. તાજેતરના ભૂતકાળમાં તુષાર કપૂર ઉપરાંત સિનિયર અભિનેતા સુરેશ ઓબેરોયના અભિનેતા પુત્ર વિવેક ઓબેરોયે પણ આ રીતે સંતાન પ્રાપ્ત કર્યું હતું અને  એક પુત્ર તથા એક પુત્રી હોવા છતાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાને પણ સરોગસીથી વધુ એક પુત્ર પ્રાપ્ત કર્યો હતો.