માત્ર બે ફિલ્મો કરી, હવે ફિલ્મ કંપની સ્થાપવી છે

માત્ર બે ફિલ્મો કરી, હવે ફિલ્મ કંપની સ્થાપવી છે

માત્ર બે ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રી ફાતિમા સના શેખે શુક્રવારે કહ્યું હતું કે હવે હું ફિલ્મ કંપની સ્થાપવાની છું. એણે એવો દાવો કર્યો હતો કે હું પોતે મારા કામની આકરી સમીક્ષક છું. રસપ્રદ વિગત એ છે કે ફાતિમાની પહેલી ફિલ્મ આમિર ખાનની દંગલ બોક્સ ઑફિસ પર સુપરહિટ નીવડી હતી જ્યારે બીજી ફિલ્મ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન બોક્સ ઑફિસ પર સુપરફ્લોપ નીવડી હતી. 

આ ફિલ્મ એને આમિર ખાનની ભલામણથીજ મળી હતી. દરમિયાન, ફાતિમા અને આમિર ખાન વચ્ચે અફેર હોવાની વાતો પણ વહેતી થઇ હતી. એણે એવો પણ દાવો કર્યો કે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન પહેલાં હું નાની નાની વાતે અપસેટ થઇ જતી અને મારી નિષ્ફળતા પર જીવ બાળતી બેસી રહેતી. હવે હું આવી પરિસ્થિતિથી ટેવાઇ ગઇ છું. હું પોતે મારા કામનાં લેખાંજોખાં કરી લઉં છું અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરું છું. મારો સગ્ગો ભાઇ લેખક છે એટલે એની મદદથી ટૂંક સમયમાં હું ફિલ્મ કંપની સ્થાપવાની છું. 

હાલ ફાતિમા અનુરાગ બસુની આગામી ફિલ્મ રાજકુમાર રાવ સાથે કરી રહી છે જે ટૂંક સમયમાં ફ્લોર પર જવાની છે. એણે કહ્યું કે મને અભિનયમાં આનંદ આવે છે માટે કામ કરું છું. જે દિવસે એમ લાગશે કે હવે આ કામમાં મજા નથી આવતી ત્યારે હું અભિનય છોડી દઇશ.