હું નહીં, ફિલ્મની સ્ટોરીલાઇન મહત્ત્વની છે: રાજકુમાર રાવ

હું નહીં, ફિલ્મની સ્ટોરીલાઇન મહત્ત્વની છે: રાજકુમાર રાવ

મોખરાના અભિનેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે હીરો તરીકે હું નહીં, ફિલ્મની સ્ટોરી લાઇન મહત્ત્વની હોય છે. સ્ટોરી સારી ન હોય તો હું પણ નિષ્ફળ થઇ શકું. 'આ વાત કોઇ પણ અભિનેતાને લાગુ પડે છે. ગમે તેવો મોટો ગણાતો સ્ટાર હોય, સ્ટોરીલાઇન નબળી હોય તો એ સુપર સ્ટાર પણ નિષ્ફળ થઇ શકે છે. આ વાત મને પોતાને પણ એટલીજ લાગુ પડે છે. હું નહીં પણ મારી ફિલ્મની સ્ટોરી મહત્ત્વની હોય છે. સ્ટોરી નબળી હોય તો મારા અભિનયથી કશું વળે નહીં' એમ રાજકુમાર રાવે કહ્યું હતું.

બહુ ઓછા સમયગાળામાં પોતાની પ્રતિભા દ્વારા ટોચના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા આ અભિનેતાએ કહ્યું કે હું કદી નામ કે દામની પાછળ દોડયો નથી, મેં માત્ર મારા કામને મહત્ત્વ આપ્યું છે. આખરે તો તમારું કામ બોલે છે. બાકી બધું કામની પાછળ દોડતું આવે છે. એણે કહ્યું કે હું કદી નામ કે પૈસા માટે પ્રેસર લેતો નથી. એકવાર સ્ટોરીલાઇન મારા ગળે ઊતરે પછી હું મારા પાત્રની પાછળ પાગલની માફક પડી જાઉં છું અને સેટ પર મારી જાતને ભૂલીને માત્ર પાત્રમાં લીન થઇ જાઉં છું. કદાચ એટલે જ મારા ચાહકો મને પસંદ કરતા હશે એમ હું માનું છું. મારા કામને હું ચાહું છું એટલે મને માત્ર કામમાં રસ પડે છે. બાકીની બધી વાતો ગૌણ બની જાય છે.