વડોદરા: મેથામ્ફેટમાઇન વિદેશી ડ્રગ્સ વેચવા ફરતા યુવકની ધરપકડ

વડોદરા: મેથામ્ફેટમાઇન વિદેશી ડ્રગ્સ વેચવા ફરતા યુવકની ધરપકડ

વડોદરા: શહેર SOG પોલીસે વિદેશી ડ્રગ્સના વેચાણ અર્થે ફરતા એક 25 વર્ષીય યુવકને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મેથામ્ફેટમાઈન નામના મોંઘા નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. વડોદરા શહેર SOG પોલીસને બાતમી મળી હતી કે મૂળ વડોદરાના અને હાલ મુંબઈમાં રહેતા પુલતસ્ય પુરોહિત નામનો યુવક અગાઉ મિત્રની હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જામીન પર છૂટીને ડ્રગ્સનો વ્યવસાય કરે છે. હાલ એ વડોદરામાં આવી અને ડ્રગ્સ વેચાણ અર્થે ફરી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલા તેના પિતાના ઘરે રોકાયો હોવાની માહિતીના આધારે પોલીસે તેના ઘર નજીક વોચ ગોઠવી હતી. પુલતસ્ય ઉર્ફે પિન્ટુ ગત રોજ બપોરે તેના ઘરેથી નીકળી વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે પહોંચતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઝડતી લેતા તેની પાસેથી મેથામ્ફેટમાઇન નામની શિડયુલ ડ્રગની ગોળીઓ મળી આવી હતી. ક્રિસ્ટલ ફૉમ, કેપસુલ ફૉર્મ અને પાઉડર ફૉર્મમાં મળેલ મેથામ્ફેટમાઈન ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તેની તપાસમાં પોલીસે પૂછપરછ કરતા મુંબઈના મહંમદ અલી રોડ પર એક નાઈજીરિયન યુવક પાસેથી વેચાણ અર્થે તેને ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી અને વડોદરામાં આવી ડ્રગ્સના આદિ યુવકોને વેચાણ અર્થે લાવ્યો હતો. આ ડ્રગ્સ વેચાણ અર્થે માઈનોર ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા પણ સાથે રાખતો હતો. પોલીસે કુલ 4.13 લાખનું મેથામ્ફેટમાઈન ડ્રગ્સ, માઈનોર ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા, મોબાઈલ ફોન તેમજ 24,100 જેટલી રોકડ રકમ સાથે કુલ 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શું છે મેથામ્ફેટમાઈનની વિશેષતાઓ આ ડ્રગ્સનું ઉત્પાદન વિદેશમાં અને ખાસ કરીને નાઈજિરિયામાં થાય છે. નાઈજિરિયન યુવક યુવતીઓ તેને કસ્ટમ વિભાગથી છુપાવીને ભારતમાં લાવે છે અને કરોડોની કિંમતના ડ્રગ્સને યુવાનો સુધી પહોંચાડે છે. અગાઉ પણ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ વડોદરા તેમજ મુંબઈથી નાઇજિરિયન યુવક પાસેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. આ ડ્રગ્સના માઈનોર સેવનની અસર પાંચથી છ કલાક સુધી રહે છે. નશો કાર્યના 30 મિનિટ પછી તેની અસર જોવા મળે છે અને શરીરનું ટેમ્પરેચર વધે તેમ તેમ એનર્જી પણ વધારે છે. આ ડ્રગ્સના વધુ પડતા સેવનથી હૃદય રોગનો હુમલો પણ આવે છે.
ડ્રગ્સ કેરિયર પુલતસ્ય અગાઉ હત્યાના કેસમાં પણ સંડોવાયો હતો
SOG પોલીસે ઝડપી પાડેલા ડ્રગ્સ કેરિયર પુલતસ્ય પુરોહિત બે વર્ષ અગાઉ 31 ડિસેમ્બરના દિવસે મિત્રો સાથે ડ્રગ્સના નશામાં પાર્ટી કરવા વાઘોડિયા રોડ પર એક ફ્લેટમાં બેઠો હતો. તે દરમિયાન ગર્લફ્રેન્ડ બાબતે ઝઘડો થતા એક મિત્રને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો અને યુવકનો મૃતદેહ હાઇવે પર દરગાહ નજીક અકસ્માત થયો હોવાની હાલતમાં ફેંકીને જતા રહ્યા હતા. વડોદરા  LCB  પોલીસે 6 મહિના બાદ હત્યાનું કોકડું ઉકેલ્યું હતું. હત્યાના ઝડપાયા બાદ તેને જામીન મેળવી અને મુંબઈ તેની ગર્લફ્રેન્ડ સાથે છ મહિનાથી રહેતો હતો અને ડ્રગ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો.